રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જીવન પરિચય

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક એવા અને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનાર આપણાં શ્રી ઝવેરચંદ મેઘાનીની આજે જન્મજયંતી છે. ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું ખૂબ મોટું એવું યોગદાન રહેલું છે. તેમણે કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવનચરિત્ર, ઇતિહાસ, પ્રવાસવર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો અને લોકકથાઓ વગેરે ઉપર તેમણે ખૂબ ટૂંકા ગાળામાં ૧૦૦ જેટલા પુસ્તકો લખેલા છે. આ બધા સર્જનમાં જો કોઈ મહત્વનુ સર્જન ગણાતું હોય તો તે દેશભક્તિના કસુંબલ રંગે રચાયેલી તેમની રચનાઓ છે. 

Zaverchand Meghani
Zaverchand Meghani

Zaverchand Meghani Parichay – રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણીનો જન્મ અને શરૂઆતનું જીવન:

ઝવેરચંદ મેઘાનીનો જન્મ ૨૮ ઓગષ્ટ ૧૮૯૬ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ગામના છેવાડે આવેલા પોલીસ બેડાના ક્વાટર્સમાં થયો હતો. તેમના પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી બ્રિટિશ કાઠીયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પિતા નીડર અને નેક પુરુષ હતા.

મેઘાણીમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા તેમના માતાજી ધોળીમાં. પિતાની નોકરી પોલીસ ખાતામાં હોવાથી તેઓ ઘણા ગામ અને જિલ્લાઓમાં રહ્યા હતા. તેઓએ રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી જેવા વિવિધ જગ્યાઓએ અભ્યાસ કર્યો હતો. 

ફોજદાર પિતા કાળીદાસ મેઘાણીની બદલી રાજકોટ ખાતે થતાં ૨ થી ૮ વર્ષની ઉંમર સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા. હાલમાં ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા’ તરીકે ઓળખાતી તે વખતની શાળામાં વર્ષ ૧૯૦૧ માં તેમણે શાળા-શિક્ષણનો પ્રારંભ કર્યો હતો.

તે વખતનું નોંધણી પત્રક આજેપણ આ શાળામાં સચવાયેલું છે. રાજકોટ સાથેના ઝવેરચંદ મેઘાનીના ઘણા સંસ્મરણો અને સ્મૃતિઓ જોડાયેલ છે. જેમાં તેમના નાના ભાઈ પોલિસ લાઇનમા કોઈ સિપાહીના ઘરે સત્યનારાયણની કથામાં શંખ ફૂંકાતા ચમકીને મૃત્યુ પામેલા. આ તેમને જીવનભર તાદશ રહેલું. 

પોતાના ફોજદાર પિતાની બદલી એવી જગ્યાએ થતી હતી કે કોઈ ચોક હોય, કોઈ ગીરમાં, પહાડમાં, ભયંકર નદીનેરાંવાળી જગ્યાએ, ડુંગરા ઉપર. આમ પહેલેથી જ ભિન્ન ભિન્ન સંસ્કૃતિની સાથે પરિભ્રમણના સંસ્કાર બાળપણથી જ પડ્યા હતા. દાઠા, પાળીયાદ, ઝીંઝુવાડા, વઢવાણ કેમ્પ, લાખાપાદર, બગસરા વેગેરે અલગ અલગ સ્થળોએ ફરતા ફરતા અભ્યાસ કરીને છેલ્લે તેમણે વર્ષ ૧૯૧૨ માં અમરેલીમાંથી મેટ્રિક પાસ થયા હતા.

ગીર નાકા ઉપર લાખાપાદર નામના પોલીસ ‘આઉટ પોસ્ટ’ ઉપર તેમની બદલી થઈ તે સમયે ૧૧ વર્ષની ઉંમરે માતા-પિતાથી દૂર તેઓ પોતાના વતન બગસરા ભણવા ગયા હતા. 

બગસરાની મિડલ સ્કૂલમાથી અભ્યાસ પૂર્ણ કરીને અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટી.પી.ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. હાઇસ્કૂલના અભ્યાસ દરમિયાન મેઘાણી અમરેલી ખાતેની ખેતાણી જૈન બોર્ડિંગમાં રહ્યા હતા.

મેટ્રિકની પરીક્ષામાં અવ્વલ નંબરે ઉત્તીર્ણ થતાં બગસરના દરબારગઢની મેડી પર વડીલ મિત્ર દરબાર વાજસૂર વાળા અને બાળ મિત્રમંડળના મિત્રોએ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરીને તેમને માનપત્ર એનાયત્ર કર્યું હતું. 

મેઘાણીનું કોલેજ જીવન:

મેઘાણીનું કોલેજ શિક્ષણ વર્ષ ૧૯૧૩ માં આરંભી ભાવનગરની શામળદાસ કોલેજમાથી ૧૯૧૭ માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા હતા. કોલેજ અભ્યાસ દરમિયાન તેઓ એકદમ સાદગીભર્યું જીવન જીવ્યા હતા. પોતાના કપડાં જાતે ધોતા અને કડકડતી ઠંડીમાં પણ તેઓ ઠંડા પાણીને સ્નાન કરતાં હતા.

તેમની સાદગી અને સરળતા સહુને સ્પર્શી ગઈ હતી અને કોલેજમાં તેઓ ‘જનકરાજા’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેઓ શામળદાસ કોલેજના મેગેઝિનમાં ‘M’ ના તખલ્લુસથી તેઓ લેખ લખતા હતા. દર પૂનમની રાત્રિએ ભાવનગરના જશોનાથ મંદિરે મિત્રોનો મેળાવડો યોજતો ત્યારે તેઓ કલાપીની દર્દભરી કવિતાઓ બુલંદ કંઠે લલકરતા હતા. 

કોલેજકાળદરમિયાન તેમને ટેનિસની રમતમાં રુચિ કેળવાઈ હતી. ધીમે ધીમે આ રમત નિયમિતપણે રમતા થયા હતા. તેઓ વિવિધ હરિફાઇઓમાં પણ ભાગ લેતા હતા અને તેમને ક્રિકેટ જોવું પણ ખૂબ ગમતું .

વર્ષ ૧૯૧૫ માં તેઓ સંસ્કૃતના સઘન અભ્યાસ માટે એક સત્ર જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં જોડાયા હતા. ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ ત્યાં તેમના સહઅધ્યાયી હતા. બી.એ. પછી વર્ષ ૧૯૧૮ માં ભાવનગરમાં એમ.એ. નો અભ્યાસ શરૂ કર્યો હતો. આ સાથે સાથે તેમણે ત્યાની સનાતન હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની કામગીરી સંભાળી હતી. 

તેમનો કલકત્તા નિવાસ:

કલકત્તા ખાતે સ્થાયી થયેલ મોટાભાઈ લાલચંદ કાળીદાસ મેઘાણીની બીમારીને કારણે તેમને વર્ષ ૧૯૧૮ માં મે માસમાં કલકત્તા જવાનું થયું હતું. તે સમયે તેમનો ભવનગર્માં એમ.એ નો અભ્યાસ અધૂરો રહ્યો હતો. કલકત્તામાં તેમને વધારે રોકવાનું થતાં તેઓ જીવણલાલ એન્ડ કંપની જે વાસણો બનાવતી હતી તેમાં જોડાયા હતા.

ત્યાં તેમણે મદદનીશ તરીકે કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ હુગલી નદીના સામે કાંઠે આવેલ કારખાનામાં મેનેજર તરીકે નિયુક્તિ પામ્યા હતા. બજારમાં ફરતા ફરતા ‘સાઇન બોર્ડ’ વાંચી તેઓ બંગાળી ભાષા શીખ્યા હતા. ફરાજ બજાવતા બજાવતા જે સમય બચતો તેમાં તેઓ બંગાળી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિ સાથે પરિચય કેળવતા. 

વર્ષ ૧૯૧૮ માં તેમણે પ્રથમ કાવ્ય ‘દીવડો ઝાંખો બળે’ રચ્યું હતું. વર્ષ ૧૯૧૯ માં કંપનીના માલિક સાથે તેમણે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો હતો. ત્યારે તેમણે પ્રસિદ્ધ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી. રવિન્દ્રનાથ ટાગોરનું અતિપ્રિય કાવ્ય ‘નવવર્ષા’ તેમણે તેમના જ મુખેથી મેઘાણીએ વર્ષ ૧૯૨૦ માં કલકત્તા ખાતે તેમણે સંભાળ્યું હતું અને તે ખૂબ જ સ્પર્શી ગયું હતું.

વર્ષ ૧૯૪૧ માં ટાગોરના નિધન પછી વર્ષ ૧૯૪૪ માં આ કાવ્યનો અનુવાદ કરી આજે પણ લોકમુખે રમતું રહેલું અતિલોકપ્રિય અને ઝમકદાર ગીત ‘મન મોર બની થનગાટ કરે’ પ્રગટ કર્યું હતું. 

લગ્ન જીવન:

૧૮ ઓગષ્ટ ૧૯૨૨ ના રોજ મુંબઈના મણિલાલ માણેકચંદ ખારાના પુત્રી દમયંતી બહેન સાથે તેમના લગ્ન થયા હતા. પોતાના ક્ષયગ્રસ્ત અને મરણોન્મુખ મોટા બહેન લાભુબહેનનું વેણ રાખવા મેઘાણીએ તત્કાલ લગ્ન કર્યા હતા. આ સમયે પોતાના મિત્રોના આગ્રહથી પોતાનું જ સ્વરચિત ગીત ‘હા રે દોસ્ત ! હાલો દાદાજીના દેશમાં’ આ પ્રસંગે બુલંદ કંઠે લલકાર્યું હતું. 

વધુ માહિતી:

‘સૌરાષ્ટ્રના સિંહ’ તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠનું આમંત્રણ સ્વીકારીને તેઓ ‘સૌરાષ્ટ્ર’ ના તંત્રીમંડળમાં જોડાયા હતા. વર્ષ ૧૯૨૨ માં તેમણે પોતાની પ્રથમ ક્રુતિ ‘કુરબાનીની કથાઓ’ પ્રગટ કરી હતી. એપ્રિલ ૧૯૨૫ માં રાણપુર સુધરાઇ ખાતે મહાત્મા ગાંધીનું સન્માન કરીને તેમને માનપત્ર એનાયત કરાયું હતું.

રાણપુર ખાતેના પોતાના એ ટૂંકા રોકાણ દરમિયાન રાતવાસો ગાંધીજીએ ‘સૌરાષ્ટ્ર’ પ્રેસમાં કરેલો. ગાંધીજી સાથેની તેમની એ પહેલવહેલી મુલાકાત હતી. વર્ષ ૧૯૨૩ માં ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો પહેલો ભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. સત્તાધીશોએ આચરેલા એક યા બીજા અન્યાય સામે હથિયાર ઉઠાવનાર ૧૩ બહારવટિયાઓના વૃતાંતો ‘સોરઠી બહારવટિયા’ ના ત્રણ ભાગ વર્ષ ૧૯૨૭ થી ૧૯૨૯ દરમિયાન પ્રગટ કર્યા હતા. 

લોસંસ્કૃતિ અને લોકજીવનના અણમોલ મોતી સમા ૪૫૦ થી વધુ લોકગીતો-રાસગરબાના સંગ્રહ ‘રઢિયાળી રાત’ નો પહેલો ભાગ ૧૯૨૫ માં અને ચોથો ભાગ ૧૯૪૨ માં પ્રગટ કર્યો હતો. વર્ષ ૧૯૨૬ ની આસપાસ તેમણે ‘સૌરાષ્ટ્ર’ ના સંપાદનમાથી મેઘાણીએ મુક્ત થવાનું વિચાર્યું હતુ પણ ઠકકરબાપાના આગ્રહવશ તેમને ‘સૌરાષ્ટ્ર’ તો ન છોડ્યું પણ તેઓ થોડોસમય ભાવનગરમાં રહ્યા હતા.

વર્ષ ૧૯૨૮ માં ભાવનગરના નિવાસ દરમિયાન તેમણે લોકપ્રિય કાવ્ય ‘શિવાજીનું હાલરડું’ રચ્યું હતું. ૧૨ જેટલા સંતોના જીવન તથા કવનને નિરૂપતી બેલડી કૃતિઓ ‘સોરઠી સંતો’ વર્ષ ૧૯૨૮ માં અને ‘પુરાતન જ્યોત’ વર્ષ ૧૯૩૮ માં પ્રગટ કરી હતી. 

ચારણ-કન્યા:

લોકસાહિત્યના સંશોધન અર્થે તેમણે પોતે કરેલા પ્રવાસો દરમિયાન મેઘાણીને વર્ષ ૧૯૨૮ માં એકવાર ગીરના જંગલ વચ્ચે તુલસીશ્યામ પાસે આવેલા ખજૂરીના નેસ ખાતે રાતવાસો કરવાનું થયું હતું. એ સમયે એમના સાથીદાર હતા જાણીતા ચારણ ભક્તકવિ દુલા ભાયા કાગ.

જોગાનુજોગ એ સમયે રાતે જ હિરબાઈ નામની એક ચારણ-કન્યાની વાછરડી ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવે છે અને તેમાં તે મૃત્યુ પામે છે. ‘સાવજ આવ્યો’ એવી બૂમ સાંભળીને ખડગ, ભાલો, તલવાર, બરછી, ફરસી, ધારિયું જે હાથે ચડ્યું તે લઈને લોકો દોડી આવ્યા. 

તે સમયે સાવજના ડાલામથ્થા પર પોતાની ડાંગ ઘુમાવીને ઝનૂનભેર વીંઝતી કોઈ જોગમાયા-શી ચૌદ વર્ષીય વીરાંગના વનરાજ સામે પડી અને એ બહાદુર બેટીના આવા અણધાર્યા પ્રતિકારથી વનરાજે પીછેહઠ કરી હતી. કહેવાય છે કે આ દ્રશ્ય જોઈને મેઘાણી રોમેરોમ હલબલી ગયા હતા. આજ વિશિષ્ટ સંજોગોમાં રચાયું હતું ‘ચારણ કન્યા’. કાગ બાપુ નોંધે છે કે એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈએ કાગળ-કલમ વિના રચીને ગાવા લાગ્યા હતા. 

રણજિતરામ સુવર્ણચંદ્રક:

વર્ષ ૧૯૨૯ માં ગુજરાત સાહિત્ય સભાના રજત મહોત્સવના અવસરે તેના સ્થાપક અને જાણીતા સાહિત્યકાર-સંશોધક રણજિતરામ વાવાભાઈ મહેતાની સ્મૃતિમાં દર વર્ષે ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રણજિતરામ સ્મારક સમિતિના અધ્યક્ષ હીરાલાલ પારેખે ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ કેશવલાલ ધ્રુવને સૂચન કર્યું હતું કે રણજિતરામ મહેતાને પ્રિય એવા લોકસાહિત્યના મૌલિક અને વિશિષ્ટ સંશોધન માટે ઝવેરચંદ મેઘાણીને સર્વપ્રથમ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ થી સન્માનીત કરવામાં આવે.

અમદાવાદ શાહીબાગ સ્થિત સર ચિનુભાઈ બેરોનેટના બંગલા ‘શાંતિકુંજ’ ખાતે ૧૬-૧૭ માર્ચ ૧૯૨૯ ના રોજ યોજાયેલ ગુજરાત સાહિત્ય સભાના રજત-મહોત્સવ કાર્યક્રમ દરમિયાન ઝવેરચંદ મેઘાણીને ૧૯૨૮ નો સહુપ્રથમ ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. 

સિંધુડો:

૧૨ માર્ચ ૧૯૩૦ ના રોજ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યારહીઓ સાથે પગપાળા ‘દાંડીયાત્રા’ શરૂ કરીને ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો ત્યારે ‘સૌરાષ્ટ્રના સિંહ’ તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરામાં સત્યાગ્રહના મંડાણ થયા હતા.

સ્વતંત્ર-સંગ્રામ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીએ રચેલા ૧૫ શોર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ તે દિવસે પ્રસિદ્ધ થયો હતો. ‘સિંધુડો’ ના શોર્ય અને દેશપ્રેમના ગીતોની જાદુઇ અસરથી પ્રચંડ લોકોનો જુવાળ ઊભો થતાં તે સમયે બ્રિટિશ સરકાર પણ ચોંકી ઉઠી હતી અને તે સમયે બ્રિટિશ સરકારે ગભરાઈને ‘સિંધુડો’ જપ્ત કર્યો હતો. 

ધંધુકા અદાલત:

૨૭ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ઝવેરચંદ મેઘાણી બરવાળાના મહાજન ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી તેમને મળવા ધંધુકા પહોંચ્યા હતા અને તેમને બિરદાવયા હતા. ત્યથી છૂટા પડતાં હતા ત્યારે પોલીસ ઈન્સ્પેકટર પઠાણ દ્વારા તેમની જોડે આવ્યા હતા અને મેઘાણી સાથે હાથ મિલાવીને કહ્યું હતું કે ‘તમને કલમ ૧૧૭ હેઠળ હું ગિરફતાર કરું છું.’

બીજી જ મિનિટે તેમને મોટરસાઇકલમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને ત્યાં તેમના પત્ની દમયંતિબહેન હાજર હતા અને દમયંતિબહેને ‘ઈનક્લાબ જિંદાબાદ’ ની ઘોષણા કરી હતી. મેઘાણીની ધરપકડના સમાચાર ફેલાતા ગામે ગામ હળતાડો પડવા લાગી હતી. 

ધોલેરા સત્યાગ્રહને અનુલક્ષીને ધોળકા પ્રાંતના ફર્સ્ટ ક્લાસ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઈસાણીએ ધંધુકામાં ખાસ મુકામ કર્યો હતો. તે સમયે ‘ડાક બંગલા’ તરીકે ઓળખાતા જિલ્લા પંચાયતના ‘રેસ્ટ હાઉસ’ માં ખાસ અદાલત ઊભી કરાઇ હતી. ૨૮ એપ્રિલ ૧૯૩૦ ના રોજ તેમને મીજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા હતા અને તહોતનામું મુકાયું હતું કે તારીખ ૨૫ મીની બરવાળાની સભામાં બે-અઢી હજારની જનમેદી સમક્ષ શ્રી ઝવેરચંદ મેઘાણીએ મીઠાનો કાયદો તોડવા ઉશ્કેરતું ઉત્તેજનાભર્યું ભાષણ કર્યું. 

૨૯ એપ્રિલ ૧૯૩૦ ના રોજ સવારે આઠ વાગ્યાથી જ અદાલતના પ્રાંગણમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દસ વાગ્યાની આસપાસ મેજીસ્ટ્રેટે લીમડાની નીચે બેસીને બે વર્ષની સજા મેઘાણીને ફટકારી હતી. 

૨૯ એપ્રિલ ૧૯૩૦ થી ૮ માર્ચ ૧૯૩૧ સુધી તેમને સાબરમતી જેલમાં રાખવામા આવ્યા હતા. જેલમાં તેમના સાથીઓ હતા સરદાર વલ્લભભાઇ પટેલ, મહાદેવભાઇ દેસાઇ, અબ્બાસ તૈયબજી રવિશંકર મહારાજ અને અન્ય મહાનુભાવો. જેલવાસ દરમિયાન તેમણે ‘કોઈનો લાડકવાયો’, ‘સૂના સમંદરની પાળે’, ‘અમારે ઘર હતા’, ‘વ્હાલા હતા, ભાંડુ હતા’ જેવા ગીતોની રચના કરી હતી.

જેલમાના મુખ્યત્વે પોતાના ઉપરાંત જેલ-સાથીઓ તેમજ બીજાઓ પાસેથી સાંભળીને આત્મસાત કરેલા અનુભવો ‘જેલ-ઓફિસની બારી’ માં આલેખયા છે. કારાવાસમાં પોતાની જન્મતિથીએ ઝવેરચંદ મેઘાણીએ દમયંતીબહેનને સંબોધીને ‘એક જન્મતિથી’ કાવ્ય રચ્યું હતું. ગાંધી-ઇરવીન કરાર હેઠળ તેમને જેલમાંથી વહેલા મુક્ત કરવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રીય શાયરનું બિરુદ:

વર્ષ ૧૯૩૧માં ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા માટે ખુબ ચિંતિત હતા. તેઓ જાણતા હતા કે દેશની સ્વતંત્રતાનો પ્રસ્તાવ બ્રિટિશ સરકાર નહીં સ્વીકારે. ગાંધીજીની આ મહોવ્યથાનું સચોટ વર્ણન કરીને તેમને સંબોધતું ‘છેલ્લો કટોરો’ કાવ્ય ઝવેરચંદ મેઘાણીએ ૨૭ ઓગષ્ટના રોજ રાણપુર ખાતે લખ્યું હતું અને ઊપડતી સ્ટીમરે ગાંધીજીને પહોંચડ્યું હતું. આ વાંચીને તેમણે મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’ નું બિરુદ આપ્યું હતું. 

બોટાદ ખાતે નિધન:

૯ માર્ચ ૧૯૪૭ ની સવારથી જ ઝવેરચંદ મેઘાણીને હ્રદયમાં ભારે દર્દ ઉપડયું હતું. મોડી રાતે આવેલ હ્રદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો અને ૫૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. 

મેઘાણી દ્વારા રચવામાં આવેલ સાહિત્ય:

કવિતા: એકતારો (૧૯૪૦), કિલ્લોલ (૧૯૩૦), કોઈનો લાડકવાયો અને બીજા ગીતો (૧૯૩૦), પીડિતોના ગીતો (૧૯૩૦), બાપુના પારણા (૧૯૪૩), યુગવંદના (૧૯૩૫), રવિન્દ્ર-વીણા (૧૯૪૪), સિંધુડો (૧૯૩૦), વેણીનાં ફૂલ (૧૯૨૮)

જીવન ચરિત્ર: અકબરની યાદમાં (૧૯૪૨), પુરાતન જ્યોત (૧૯૩૮), એની બેસન્ટ (૧૯૨૮), બે દેશદિપક (૧૯૪૨), ઝંડાધારી-મહર્ષિ દયાનંદ (૧૯૨૬), માણસાઈના દિવા (૧૯૪૫), ઠકકરબાપા-આછો જીવન પરિચય (૧૯૩૯), વસંત-રજબ સ્મારક ગ્રંથ (સંપાદન) (૧૯૪૭), દયાનંદ સરસ્વતી (૧૯૪૪), સોરઠી સંતો (૧૯૨૮), દરિયાપારના બહારવટીયા (૧૯૩૨), સત્યવીર શ્રદ્ધાનંદ (૧૯૨૭), નરવીર લાલાજી (૧૯૨૯), હંગેરીનો તારણહાર (૧૯૨૭), પાંચ વરસના પંખિડા (૧૯૪૨)

નવલકથા: અપરાધી (૧૯૩૮), રા’ ગંગાજળીયો (૧૯૩૯), કાળચક્ર (૧૯૪૭), વસુંધરાના વહાલા દવલા (૧૯૩૭), ગુજરાતનો જય (૧૯૪૦,૧૯૪૨), વેવિશાળ (૧૯૩૯), તુલસી ક્યારો (૧૯૪૦), સત્યની શોધમાં (૧૯૩૨), નિરંજન (૧૯૩૬), સમરાંગણ (૧૯૩૮), પ્રભુ પધાર્યા (૧૯૪૩), સોરઠ તારા વહેતા પાણી (૧૯૩૭), બિડેલા દ્વાર (૧૯૩૯)

નવલિકા: આપણાં ઉંબરમાં (૧૯૩૨), પલકારા (૧૯૩૫), કુરબાનીની કથાઓ (૧૯૨૨), પ્રતિમાઓ (૧૯૩૪), ચીતાના અંગારા (૧૯૩૧,૧૯૩૨), મેઘાણીની નવલિકાઓ (૧૯૪૨), જેલ-ઓફિસની બારી (૧૯૩૪), વિલોપન અને બીજી વાતો (૧૯૪૬), ધૂપછાયા (૧૯૩૨)

નાટક: રાજા-રાણી (અનુવાદ) (૧૯૨૪), વંઠેલા અને બીજી નાટિકાઓ (૧૯૩૪), રાણો પ્રતાપ (અનુવાદ) (૧૯૨૩), શાહજહાં (અનુવાદ) (૧૯૨૭)

લોકકથા: કંકાવટી (૧૯૨૭,૧૯૨૮), સોરઠી બહારવટીયા (૩ ભાગ) (૧૯૨૭-૧૯૨૯), ડોશીમાની વાતો (૧૯૨૩), સૌરાષ્ટ્રની રસધાર (૫ ભાગ) (૧૯૨૩-૧૯૨૭), દાદાજીની વાતો (૧૯૨૭), રંગ છે બારોટ (૧૯૪૫)

લોકગીત: ઋતુ ગીતો (૧૯૨૯), સોરઠિયા દુહા (૧૯૪૭), સોરઠી ગીતકથાઓ (૧૯૩૧), ચુંદડી-ગૂર્જર લગ્ન ગીતો (૧૯૨૮,૧૯૨૯), સોરઠી સંતવાણી (૧૯૪૭), હાલરડાં (૧૯૨૮), રઢિયાળી રાત (૪ ભાગ) (૧૯૨૫,૧૯૨૬,૧૯૨૭,૧૯૪૨)

લોકસાહિત્ય સંશોધન અને વિવેચન: ચારણો અને ચારણી સાહિત્ય (૧૯૪૩), લોસાહિત્ય પગદંડીનો પંથ (૧૯૪૨), છેલ્લું પ્રયાણ (૧૯૪૭), પરકમ્મા (૧૯૪૬), લોકસાહિત્ય-ધરતીનું ધાવણ (૧૯૩૯,૧૯૪૪), લોકસાહિત્યનુ સમાલોચન (૧૯૪૬), સોરઠને તીરે તીરે (૧૯૩૩), સૌરાષ્ટ્રના ખંડેરોમાં (૧૯૨૮)

પ્રકીર્ણ: અજબ દુનિયા (૧૯૪૩), આપણાં ઘરની વધુ વાતો (૧૯૪૩), આપણું ઘર (૧૯૪૨), એશિયાનું કલંક (૧૯૨૩), ચપટી ધૂળ (૧૯૪૬), ધ્વજ મિલાપ (૧૯૪૩), પરિભ્રમણ (૩ ભાગ) (૧૯૪૪,૧૯૪૭,૧૯૪૭), ભારતનો મહાવીર પાડોશી (૧૯૪૨), મરેલાનાં રુધિરને જીવતાના આંસુડાઓ (૧૯૪૨), મિસરનો મુક્તિસંગ્રામ (૧૯૩૦), લોક-ગંગા (૧૯૪૩), વેરાનમાં (૧૯૩૫), સળગતું આયર્લેંડ (૧૯૩૧), સંસાર (૧૯૪૬), સાંબેલા (૧૯૪૩), સાંબેલાના સૂર (૧૯૪૪) 

Source: Wikipedia, Gujarati Sahitya Parishad, Pinaki Meghani’s Book ‘Meghani Gatha’

સમય નિકાળીને આ પણ વાંચો!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *