Tarnetar Fair Gujarat: ગુજરાતમાં વિવિધ જગ્યાએ અનેક લોકમેળાઓ ભરાતા હોય છે અને તેમાં ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મંદિરમાં ભરાતો મેળો એટલે તરણેતરનો મેળો. આ મેળો ગુજરાતભરમાં જ નહીં પણ વિશ્વભરમાં વિખ્યાત મેળો ગણવામાં આવે છે અને ઠેરઠેરથી લોકો અહિયાં આ મેળામાં આનંદ માણવા આવે છે. તરણેતરનો મેળો એ ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતો મેળો છે.

ત્રિનેત્રેશ્વર મંદિર વિશે:
ત્રિનેત્રેશ્વર મંદિર વિશે વિવિધ લોકવાયકાઓ જોવા મળે છે. જેમાં અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ કરવાથી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને આ પુત્રનું નામ મંધાતા હતુ. કહેવામાં આવે છે કે આ તરણેતરનું મંદિર મંધાતા એ બંધાવેલ હતું.
આ ઉપરાંત આ મંદિર સાથે મહાભારત કાળની વાત જોડાયેલી છે. એ મુજબ મહાભારત કાળમાં દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારત કાળ મુજબ દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર એ તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. એ સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ ત્રિનેત્રેશ્વર મંદિર અને તરણેતર સાથે જોડાયેલો છે.
સંશોધનકારોના મતે ત્રિનેત્રેશ્વર મંદિર એ દસમી સદીમાં બંધાયેલુ હોવાનું માનવામાં આવે છે અને આ મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની માનવામાં આવે છે. હાલનુ જે મંદિર છે તેનો જીર્ણોદ્વાર લખતરનાં રાજવી કરણસિંહજી દ્વારા ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવેલ હતો.

આ મંદિરની સામેની બાજુએ તળાવ આવેલું છે. ત્રિનેત્રેશ્વર મંદિરમાં બે શિવલિંગ છે અને તેમાં મોટું શિવલિંગ એ પ્રાચીન કાળનું માનવામાં આવે છે અને જે નાનું શિવલિંગ છે તે કરણસિંહજી દ્વારા જે જીર્ણોદ્વાર કરવામાં આવ્યો ત્યારનું માનવામાં આવે છે. ત્રિનેત્રેશ્વરના મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવે છે.
દંતકથા:
ત્રિનેત્રેશ્વર નામનું અપભ્રંશ થતાં ગામનું નામ તરણેતર રાખવામાં આવ્યું હતું. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર એ દ્વીપકલ્પ વિસ્તાર હતો અને પાછળથી તે પાંચાળ તરીકે ઓળખાયો. સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી અને તેઓને ૧૦૦૧ કમળના ફૂલ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળના ફૂલ થઈ ગયા પણ એક કમળનું ફૂલ ખૂટતું હતું જેથી તેમણે પોતાનું એક નેત્ર શિવજી ઉપર ચડાવ્યું અને ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર કહેવાયા.
બીજી એક દંતકથા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈને ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું. આ પાછળનો ઉદ્દેશ્ય એમ માનવામાં આવે છે કે આ વિસ્તારની પ્રજા કદાચ ગંગાજી સુધી દૂર ઋષિકેશ અથવા તો હરિદ્વાર જઈ ન શકે તો અહી ગંગાજી શા માટે ન આવે? ગંગાજીના અવતરણને નિમિત બનાવી માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે લોકો તરણેતર આવતા થયાં.
તરણેતરના મેળા વિશે:
પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં તરણેતરના મેળાનું સૌથી વધુ મહત્વ જોવા મળે છે. આ મેળામાં બળદ માટેના શણગાર અને વિવિધ બળદગાડા માટે આ મેળો ખૂબ જ વખણાય છે. તરણેતરના આ મેળામાં રૂપાળા ભરત ભરેલ, મોટી, બટનીયા, આભલા અને કૂમતાં રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ મેળામાં દરેક ગામના બળદગાડા અલગ અલગ હોય છે અને તેમના ઉતારા પણ અલગ અલગ હોય છે. આ ઉતારામાં લોકો ત્રણ ત્રણ દિવસ સુધી રોકાય છે.
તરણેતરનો મેળો એ યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે. તરણેતરનો મેળો એ ત્રણ દિવસ (ત્રીજ, ચોથ અને પાંચમ) સુધી ચાલે છે. આમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ગંગાજી સુધી ન જઈ તરણેતરને ગંગાજી અને હરિદ્વાર માની તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામે સ્વજનોના અસ્થિ પધરાવી અને કુંડમાં નાહીને ગંગામા નાહ્યાનું પુણ્ય માને છે. આજ દિવસે મંદિર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ આ બધુ જ તરણેતરના મેળાની વિશિષ્ટતાઓ છે.
તરણેતરના મેળાને યુવાન પ્રેમીઓનું મિલન સ્થળ પણ ગણવામાં આવે છે. સગપણના નાતે જોડાયેલા યુવક યુવતીઓ જો મેળામાં ભેગા થઈ જાય તો તેમના આનંદનો પાર રહેતો નથી. આ મેળામાં બનેવી બજાર કરીને એક બજાર આવેલું હોય છે. અહિયાં બનેવીના પૈસાથી ખરીદી થતી હોવાની પ્રથાના કારણે આ બજારને બનેવી બજારનું નામ આપવામાં આવ્યું છે.
માહિતી સ્ત્રોત: માહિતી નિયામક કચેરી ગુજરાતના લોકોત્સવો અને મેળા, વિકિપીડિયા.