Presidents Rule: રાષ્ટ્રપતિ શાસન શું છે? આર્ટીકલ 356 વિશે વિગતવાર માહિતી

ભારતના બંધારણના અનુચ્છેદ 355 અને 356 માં રાષ્ટ્રપતિ શાસન અંગે વાત કરવામાં આવી છે. જો કોઈ રાજ્યમાં હિંસા ફેલાઈ જાય અથવા તો કોઈ રાજ્ય સરકાર બંધારણ અનુસાર કામ કરતી ના હોય તો રાષ્ટ્રપતિ તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. આજે આપણે અહિયાં રાષ્ટ્રપતિ શાસન અને આર્ટીકલ 355 અને 356 અંગે ચર્ચા કરીશું.

અનુચ્છેદ 356 કેન્દ્ર સરકારને રાજ્યને હટાવી અને રાજ્યના બંધારણીય તંત્રની સંપૂર્ણ નિષ્ફળતાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની મંજૂરી આપે છે. કોઇપણ પ્રકારની નાગરિક હિંસા જેનો સામનો કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોય તેવી સ્થિતિમાં નાગરિકોની અશાંતિ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર આ અનુચ્છેદ દ્વારા રાજ્ય સરકાર ઉપર સત્તા પ્રાપ્ત કરે છે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે.

Presidents Rule Information In Gujarati
Presidents Rule Information In Gujarati

રાષ્ટ્રપતિ શાસન અંગે ઘણા ટીકાકારો એવી દલીલો કરતાં હોય છે કે તેનો ઉપયોગ ઘણીવાર રાજ્યમાં રાજકીય વિરોધીઓની સરકારને બરતરફ કરવાના બહાના તરીકે કરવામાં આવે છે. આ કારણોસર કેટલાક લોકો તેને સંઘીય સરકાર પ્રણાલી માટે ખતરારૂપ જુએ છે. 1950 માં ભારતનું બંધારણ લાગુ થયાં પછી કેન્દ્ર સરકાર દ્વારા તેનો 100 થી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

શું છે રાષ્ટ્રપતિ શાસન?

બંધારણના અનુચ્છેદ 355 અને અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે.

અનુચ્છેદ 355 કેન્દ્ર સરકારને રાજ્યોને બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે દરેક રાજ્યનું રસક્ષણ કરવાની અને દરેક રાજ્યનો વહીવટ સંવિધાનની જોગવાઈઓ અનુસાર ચાલે તે જોવાની શક્તિ આપે છે.

જ્યારે કોઈપણ રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા નિષ્ફળ જાય છે અથવા તો નબળી પડે તેમ રાષ્ટ્રપતિને લાગુ પડે છે તો ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 356 હેઠળ રાજ્ય સરકારની સત્તાઓ સંભાળે છે.

રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે, રાજ્યપાલ રાષ્ટ્રપતિને એક અહેવાલ મોકલે છે અને પછી રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ પછી તેનો અમલ કરે છે.

રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી, મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની મંત્રી પરિષદનું વિસર્જન કરવામાં આવે છે અને રાજ્ય સરકારના તમામ હકો રાષ્ટ્રપતિ પાસે જાય છે.

આ સ્થિતિમાં, બે મહિનાની અંદર સંસદના બંને ગૃહોની મંજૂરી લેવી પડે છે. રાષ્ટ્રપતિ શાસન છ મહિનાથી વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. ખાસ પરિસ્થિઓમાં આ મર્યાદાને વધારી શકાય છે.

આપણાં દેશમાં સૌપ્રથમવાર અનુચ્છેદ 356 નો ઉપયોગ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વર્ષ 1951 માં કર્યો હતો. તેનો અમલ પંજાબમાં કરવામાં આવ્યો હતો અને તે લગભગ એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન ચાલુ રહ્યું હતું.

અનુચ્છેદ 355

બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે દરેક રાજ્યનું રક્ષણ કરવાની અને દરેક રાજ્યનો વહીવટ આ સંવિધાનની જોગવાઈઓ અનુસાર ચાલે તે જોવાની સંઘની ફરજ રહેશે.

અનુચ્છેદ 356

1) કોઈ રાજ્યના રાજ્યપાલ તરફથી રિપોર્ટ મળ્યે અથવા બીજી રીતે રાષ્ટ્રપતિને ખાતરી થાય કે આ સંવિધાનની જોગવાઈઓ અનુસાર તે રાજ્યનો વહીવટ ચલાવી ન શકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો, રાષ્ટ્રપતિ ઉદઘોષણા કરીને –

ક) તે રાજ્યની સરકારના તમામ અથવા તે પૈકી કોઈ કાર્ય અને રાજ્યપાલમાં અથવા તે રાજ્યના વિધાનમંડળ સિવાયના તે રાજ્યોમાંના બીજા મંડળ કે સત્તામંડળમાં નિહિત થયેલી અથવા તેમણે વાપરવાની તમામ અથવા પૈકી કોઈ સત્તા, પોતાને હસ્તક લઈ શકશે;

ખ) તે રાજ્યના વિધાનમંડળની સત્તા સંસદના અધિકારથી કે તે હેઠળ વાપરી શકશે એમ જાહેર કરી શકશે;

ગ) તે ઉદઘોષણાના ઉદ્દેશો બર લાવવા માટે તે રાજ્યમાંના કોઈ મંડળ કે સત્તામંડળ સંબંધ આ સંવિધાનની કોઈ જોગવાઈઓનો અમલ પૂરેપૂરો કે અંશતઃ મોકૂફ રાખવા માટેની જોગવાઈઓ સહિત, રાષ્ટ્રપતિને જરૂરી અથવા ઇચ્છનીય જણાય તેવી આનુષંગિક અને પારિમાણિક જોગવાઈઓ કરી શકશે;

પરંતુ કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં નિહિત થયેલી કે તેણે વાપરવાની કોઈ સત્તા પોતાને હસ્તક લેવાનો ઉચ્ચ ન્યાયાલય સંબંધી આ સંવિધાનની કોઈ જોગવાઈનો અમલ પૂરેપૂરો કે અંશતઃ મોકૂફ રાખવાનો અધિકાર રાષ્ટ્રપતિને આ ખંડમાંના કોઈપણ મજકૂરઠી મળશે નહીં.

2) એવી કોઈ ઉદઘોષણાને ત્યારપછીની ઉદઘોષણાથી રદ કરી શકાશે અથવા તેમાં ફેરફાર કરી શકાશે.

3) આ અનુચ્છેદ હેઠળની દરેક ઉદઘોષણા સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં આવશે, અને અગાઉની ઉદઘોષણાની રદ કરતી ઉદઘોષણા હોય તે સિવાય, બે મહિનાની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં, સિવાય કે તે મુદત પૂરી થાય તે પહેલા તેને સંસદના બંને ગૃહોના ઠરાવોથી માન્ય રાખવામાં આવી હોય:

પરંતુ (અગાઉની ઉદઘોષણાને રદ કરતી ન હોય તેવી) કોઈ ઉદઘોષણાને લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય તે સમયે બહાર પાડવામાં આવી હોય અથવા આ ખંડમાં ઉલ્લેખેલી બે મહિનાની મુદત દરમિયાન લોકસભાનું વિસર્જન થાય અને ઉદઘોષણાને માન્ય રાખતો ઠરાવ રાજ્યસભાએ પસાર કર્યો ન હોય, તો અને લોકસભાની પુનરચના થયા પછી, તેની પહેલી બેઠક મળે તે તારીખથી ત્રીસ દિવસ પુરા થાય તે પહેલા ઉદઘોષણા માન્ય રાખતો ઠરાવ લોકસભાએ પણ પસાર કર્યો ન હોય, તો સદરહુ ત્રીસ દિવસની મુદત પૂરી થયે તે ઉદઘોષણા અમલમાં રહેશે નહીં.

4) એ રીતે માન્ય રાખેલી ઉદઘોષણા, તેને રદ કરવામાં ન આવી હોય તો, [ઉદઘોષણા બહાર પાડયાની તારીખથી છ મહિના] ની મુદત પૂરી થયે અમલમાં રહેશે નહીં:

પરંતુ એવી ઉદઘોષણાને રદ કરવામાં આવી ન હોય, તો સંસદના બંને ગૃહો તે અમલમાં ચાલુ રાખવાનું માન્ય રાખતો ઠરાવ પસાર કરે તો અને તેટલી વાર જે તારીખે આ ખંડ હેઠળ તેનો અમલ થતો બંધ થાય ત્યારથી વધુ [છ મહિના] ની મુદત સુધી તે અમલમાં ચાલુ રહેશે, પણ એવી કોઈ ઉદઘોષણા કોઈપણ સંજોગોમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી અમલમાં ચાલુ રહેશે નહીં:

વધુમાં એવી [છ મહિના] ની મુદત દરમિયાન લોકસભાનું વિસર્જન થાય અને એવી ઉદઘોષણા અમલમાં ચાલુ રાખવાનું માન્ય રાખતો ઠરાવ રાજ્યસભાએ પસાર કર્યો હોય, પણ સદરહુ મુદત દરમિયાન એવી ઉદઘોષણા અમલમાં ચાલુ રાખવા અંગે કોઈ ઠરાવ લોકસભાએ પસાર કર્યો ન હોય તો અને લોકસભાની પુનરચના થયાં પછી, તેની પહેલી બેઠક મળે તે તારીખથી ત્રીસ દિવસ પુરા થાય તે પહેલા તેને અમલમાં ચાલુ રાખવાનું માન્ય રાખતો ઠરાવ તે લોકસભાએ પણ પસાર ન કર્યો હોય, તો સદરહુ ત્રીસ દિવસની મુદત પૂરી થયે તે ઉદઘોષણા અમલમાં રહેશે નહીં.

અનુચ્છેદ 365

સંવિધાનની કોઈપણ જોગવાઈ હેઠળ સંઘની કારોબારી સત્તા વાપરતા અપાયેલા કોઈ આદેશોનું કોઈ રાજ્યે પાલન કર્યું ન હોય અથવા તેનો અમલ ન કર્યો હોય ત્યારે, તે રાજ્યનો વહીવટ આ સંવિધાનની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાય એમ નથી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એમ ઠરાવવાનું રાષ્ટ્રપતિ માટે કાયદેસર ગણાશે.

નિષ્કર્ષ

આમ અનુચ્છેદ 355 અને 356 માં થયેલી જોગવાઇઓ અનુસાર ભારતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી રાજ્યની તમામ સત્તાઓ કેન્દ્ર સરકાર હસ્તક જતી રહે છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયે બે મહિનાની અંદર સંસદના બંને ગૃહોની મંજૂરી લેવી પડે છે. રાષ્ટ્રપતિ શાસન છ મહિનાથી વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. સૌપ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન પંજાબની અંદર લાગુ કરવામાં આવ્યું હતું.

સમય નિકાળીને આ પણ વાંચો!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *