Blood Pressure In Gujarati: શું મિત્રો તમે બ્લડ પ્રેશર વિશે જાણો છો? આજે અમે તમને અહિયાં બ્લડ પ્રેશર એટલે કે લોહીના દબાણ વિશે વાત કરવાના છીએ. લોહીનું દબાણ તમારા શરીરમાં કેટલું હોવું જોઈએ અને જો તેમાં વધારે કે ઘટાડો થાય તો તેનથી શું થઈ શકે છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ.
દરેક વ્યક્તિમાં સામાન્યપણે ૯૦ થી ૬૦ અને ૧૨૦ થી ૮૦ વચ્ચેના બ્લડ પ્રેશરને નોર્મલ માનવામાં આવે છે. સ્વાભાવિક છે કે, જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર ૯૦ થી ૬૦ ની નીચે જોવા મળે તો તેને સૈદ્ધાંતિક રીતે લો એટલે કે નીચું કહી શકાય. હવે આપણે જાણવાનું એ રહ્યું કે આ સૈદ્ધાંતિક લો બ્લડ પ્રેશરની તે વ્યક્તિ ઉપર કેવી અસર થાય છે?
હકિકતે ઘણા લોકો ૮૦ થી ૬૦ ના બ્લડ પ્રેશર સાથે પણ સામાન્ય જીવન જીવતા હોય છે. સામાન્ય બ્લડ પ્રેશર પણ દરેક શરીર માટે અલગ-અલગ જોવા મળતા હોય છે. એજ પ્રમાણે જોઈએ તો હિમોગ્લોબિન, તાપમાન, શર્કરાનું સ્તર, હાડકાની ઘનતા અને પલ્સ રેટ દરેક શરીરમાં અલગ-અલગ જોવા મળતા હોય છે.
આવી સ્થિતિમાં તે જ બ્લડ પ્રેશરને ઓછું માનવું જોઇએ, જેના કારણે વ્યક્તિમાં કોઇ વિપરીત પ્રભાવ ઉત્પન્ન થાય. ઘણીવખત લોકો થાકને લીધે પ્રેશર મપાવે છે અને ૧૦૦ થી ૭૦ ને ઓછું પ્રેશર કહી દે છે. બની શકે કે આ પ્રેશર જે તે વ્યક્તિનું નોર્મલ પ્રેશર જ હો અને થાકનું કારણ કંઇક બીજું જ હોય.
બિલકુલ એજ પ્રમાણે કોઇને ચક્કર આવ્યા અને તે ૧૧૦ થી ૭૮ ને લો બ્લડ પ્રેશર માની લે છે, કોઈક બેચેની અથવા તો ગભરાટ સાથે ૯૦ થી ૭૦ ને, તો કોઇક આંખે અંધારા આવવાના કારણે ૯૨ થી ૭૪ ને લો બીપી માની લે છે.
અહીં કહેવાનો આશય એ નથી કે આ લોકોમાં આવા લક્ષણ લો પ્રેશરના કારણે નહીં આવી શકે. ભાર એ વાત ઉપર મૂકાઇ રહ્યો છે કે હાઇ બ્લડ પ્રેશરની તુલનાએ લો બ્લડ પ્રેશરની પુષ્ટિ તે વ્યક્તિવિશેષના સામાન્ય બ્લડ પ્રેશરમાં ઘટાડો થવાથી કરવામાં આવે છે. એટલેકે હાઇ બીપી એક નિરપેક્ષ સંખ્યા છે જ્યારે લો બીપીને એક હદ સુધી સાપેક્ષ) રૂપે સમજવામાં આવે છે.
જો કોઇ વ્યક્તિનું સામાન્ય બીપી ૧૨૪ થી ૮૮ ની આસપાસ રહે છે, તો તેને ૯૪ થી ૬૦ ઉપર પણ ચક્કર આવી શકે છે પરંતુ જેનું નોર્મલ બીપી જ ૯૦ થી ૬૦ હોય તેને ચક્કર આવવાનું અન્ય કારણ પણ હોય શકે છે. જો કોઇ વ્યક્તિનું ૧૮૦ થી ૧૧૦ બ્લડ પ્રેશર તુરંત જ ૧૨૦ થી ૮૦ ઉપર લાવવામાં આવે તો તે સ્થિતિમાં પણ ચક્કર આવવા જેવા લક્ષણો ઉત્પન્ન થઇ શકે છે.
આવું એટલા માટે થાય છે કેમકે તેનું શરીર વધેલા બ્લડ પ્રેશરથી ટેવાઇ ગયું હોય છે. તેથી બ્લડ પ્રેશરને ધીમેધીમે ઘટાડવું બહેતર રહે છે. કહેવાનો મતલબ છે કે લો બીપીની ઘોષણા કરતા પહેલાં ડોક્ટર અને દર્દી, બંન્નેએ ધીરજ રાખવી જરૂરી છે.
લો બીપીને હળવાશથી લઇ શકાય નહીં. લો બીપીની સ્થિતિમાં અંગોનો રક્તપ્રવાહ ઓછો થઇ શકે છે, પેશાબનું ઉત્પાદન બંધ થઇ શકે છે, કિડનીને નુકસાન થઇ શકે છે, મગજમાં લોહી ન પહોંચી શકવાના કારણે મૂર્છા પણ આવી શકે છે અને મૃત્યુ પણ થઇ શકે છે. માટે ખરેખરનું લો બ્લડ પ્રેશર, લો બ્લડ સુગરની જેમ હાઇ બ્લડ પ્રેશર અને હાઇ બ્લડ સુગર કરતાં વધુ ખતરનાક છે.
માહિતી સ્ત્રોત: ફેસબુક મિત્ર હેમંત પટેલ.