Dandi Yatra: ભારતની આઝાદીના ઈતિહાસની ઐતિહાસિક લડત – દાંડીયાત્રા

ભારતની આઝાદીની લડતોના ઇતિહાસમાં અનેક લડતો થઈ. જેમાં વર્ષ ૧૯૩૦ ની મહાત્મા ગાંધીજી દ્વારા કરવામાં આવેલ “દાંડીકૂચ” એક અલગ અને સીમાચિહ્ન રૂપ ઈતિહાસ ધરાવે છે. દેશનું હીર પ્રગટ કરે અને બ્રિટિશ સરકારના મૂળિયાં હચમચાવી નાખે તેવી લડત એટલે “મીઠાના સત્યાગ્રહ” ની લડત.

આ લડત માટે ગાંધીજીએ પોતાના ૮૧ સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી જૂના સુરત જિલ્લાના જલાલપૂર તાલુકામાં દરિયાકિનારે આવેલ દાંડી ગામ સુધી પગપાળા ૨૪૫ માઈલનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં જઈને ચપટી મીઠું ઉપાડીને બ્રિટિશ સરકારના કાયદાનો ભંગ કર્યો હતો.

Salt March (Dandi Yatra) 12 March 1930 To 6 April 1930 Gandhiji With His Followers
Salt March (Dandi Yatra) 12 March 1930 To 6 April 1930 Gandhiji With His Followers

આ ભવ્ય દાંડીકૂચની વિગતો જાણ્યા પહેલા આપણે તેની પૂર્વભૂમિકા પણ જોવી જોઈએ. વર્ષ ૧૯૨૭ માં મદ્રાસ કોંગ્રેસમાં કોંગ્રેસનું ધ્યેય બદલવામાં આવ્યું હતું અને સ્વરાજ્યને બદલે સંપૂર્ણ સ્વાતંત્ર્યનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું હતું. આ બાદ મોન્ટફર્ડ સુધારાને પરિણામે કેટલીક પ્રગતિ થઈ અને હિન્દુસ્તાનના રાજ્ય બંધારણમાં “જવાબદાર રાજતંત્ર” નો સિદ્ધાંત કેટલેક દરજે દાખલ કરી શકાય છે તેની તપાસ કરવા “સાયમન કમિશન” નિમવાની વર્ષ ૧૯૨૭ માં નવેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવી.

આ કમિશનમાં એક પણ હિન્દી ભાષી ન હોવાના કારણે બધા પક્ષો નારાજ થયાં હતા અને કોંગ્રેસ દ્વાર આ કમિશનનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મોતીલાલ નહેરુના પ્રમુખપદે એક સર્વપક્ષીય પરિષદ નીમી અને બની શકે તેટલા બીજા પક્ષોને ટેકો મેળવવાનું પણ ઠરાવ્યું. આ સાયમન કમિશન તારીખ ૦૩/૦૨/૧૯૨૮ ના રોજ મુંબઈમાં ઉતાર્યું અને દેશભરમાં “સાયમન પાછા જાઓ” ના નારા સાથે આ કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

કલકત્તામાં મળેલી કોંગ્રેસમાં એક ઠરાવવામાં આવ્યું હતું કે તારીખ ૩૧/૧૨/૧૯૨૯ સુધીમાં બ્રિટિશ પાર્લામેન્ટ એ બંધારણ નહીં સ્વીકારે તો કોંગ્રેસ અહિંસક અસહકાર અને નાકરની લડતનો આશરો લેશે.

ગોળમેજી પરિષદમાં ગાંધીજી તેમાં ભાગ લેવા માટેની પૂર્વશરત તરીકે ૧૧ મુદ્દા વાઈસરૉય સમક્ષ રજૂ કર્યા અને તેમાં સંપૂર્ણ દારૂનિષેધ, હુંડિયામણમાં ઘટાડો, મીઠાવેરાની નાબૂદી, લશ્કરી ખર્ચમાં અડધો અડદ ઘટાડો, ઉપલા વર્ગની નોકરીના પગરોમાં ઘટાડો, પરદેશી કાપડ ઉપર રક્ષણાત્મક જકાત, હિંદના દરિયાકિનારાનો વેપાર હિન્દી જહાજો દ્વારા થાય તેનો સ્વીકાર, રાજકીય કેદીઓની મુક્તિ અને દેશપાર કરેલાને હિન્દ પાછા ફરવાની પરવાનગી, સી. આઈ. ડી. સંસ્થા નિર્મૂળ કરવી અથવા તો તેના પર પ્રજાનો કાબૂ રાખવો અને આત્મરક્ષણ માટે હથિયારોની છૂટ મૂકવાનો સમાવેશ થતો હતો.

આ બાદ ઘણી બધી ચર્ચાઓ થતાં ગાંધીજીએ તારીખ ૨ માર્ચના રોજ વાઈસરૉયને ઐતિહાસિક પત્ર લખ્યો અને તે રેજીનાલ્ડ રેનોલ્ડ સાથે હાથોહાથ પહોંચાડયો. આ પત્રનો જવાબ સહાનુભૂતિ ભર્યો ન હોય તો ૧૨ મી માર્ચથી લડત શરૂ કરીશ તેવી સ્પષ્ટતા ગાંધીજીએ આ પત્રમાં કરી હતી.

પોતાની અહિંસા વિશેની અતૂટ શ્રદ્ધા, સરકારનું શોષણખોર તત્ર, પ્રજાના હક્કો આપવાની તેની અનિચ્છા વગેરે મુદ્દાઓ તેમાં રજૂ કરાયા હતા. ગાંધીજીના આ પત્રનો જવાબ વાઈસરૉય દ્વારા આપવામાં આવ્યો નહિ અને તેમના મંત્રી શ્રી કર્નીગહામ માત્ર રાબેતા મુજબની કાગળ મળ્યાની પહોંચ લખી. આ બાદ ગાંધીજીએ આ પત્ર પ્રગટ કર્યો અને દેશભરમાં સત્યાગ્રહના નગારા વાગતા થયાં.

ગાંધીજી આંદોલનને સફળ બનાવવા માટે સમાજના વિવિધ વર્ગમાં જનજાગૃતિ અને સમજણ આપવા માટે બેઠકોનો દોર ચલાવ્યો. જેના પરિણામરૂપે આંદોલનની રૂપરેખા તૈયાર થઈ. સાબરમતીનો સત્યાગ્રહ આશ્રમ તીર્થસ્થાન થઈ પડયો. ૧૨ મી માર્ચના રોજ દાંડીકૂચનું દિવ્ય દ્રશ્ય જોવા માટે દેશ-વિદેશના હજારો લોકો અમદાવાદ આવવા લાગ્યા હતા.

દેશપરદેશના ખબરપત્રીઓ, કેમેરવાળા પણ આવવા લાગ્યા હતા. અઠવાડિયાથી સાંજની પ્રાર્થના સભા નદીની રેતમાં થવા લાગી હતી. આવી જ પ્રાર્થના સભા વખતે ગાંધીજીના મુખમાંથી ઉદ્વાર નીકળ્યા કે “મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે.” “હું કાગડાની, કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.”

દાંડિયાત્રા વિશે માહિતી (Dandiyatra)

તારીખ ૧૨ માર્ચ ૧૯૩૦ (બુધવાર), વિસામો ચંડોળા તળાવ (બપોરે) અને રાત્રિ નિવાસ અસલાલી (૧ માઈલ):

સાબરમતી આશ્રમની બહાર લોકોની ભીડ એકઠી થતી હતી. ખરેજીએ “રઘુપતિ રાઘવ રાજારામ” ની ધૂન ઉપાડી અને પ્રસંગને સર્વથા ઉચિત એવું ભક્ત પ્રીતમનું “હરિનો મારગ છે શૂરાનો નહીં, કાયરનું કામ જો ને” એ ભજન બુલંદ સ્વરે ગાયું અને પછી ગાંધીજી પોતાના સત્યાગ્રહી સૈનિકો સાથે વણાટશાળાના ચોગાનમાં ખડા થયાં.

કસ્તુરબાએ કંકુનો ચાંલ્લો કરી તેમને હાર પહેરાવ્યો અને હાથમાં લાકડી આપી પ્રણામ કર્યા. બે ખભે બે થેલા ભરવી ગાંધીજી સેનાને મોખરે ઊભા અને બરાબર ૬.૨૦ કલાકે આશ્રમની બહાર આવી મંગળ પ્રયાણ કર્યું. તેમની પાછળ શ્વેત દાઢીવાળા ઋષિ જેવા અબ્બાસ સાહેબ હતા અને પાછળ મૂળના ૭૮ સત્યાગ્રહીઓ ચાલતા હતા.

વિધાપીઠ પાસે કૂચ આવી પહોંચી અને સ્વરાજના સૈનિકો તૈયાર કરતી બાપુજીની આ પ્રિય સંસ્થા આગળ રોકાયા વિના કેમ ચાલે? ગાંધીજી અને તેમની ટુકડી પકડાઈ જાય તો તેનું સ્થાન લેવા વિધાપીઠની ટુકડી બિસ્તરા બાંધીને તૈયાર જ બેઠી હતી.

નરસિંહભાઈના પત્ની શ્રી મણીબહેને મહાત્માજીને ચાંલ્લો કર્યો અને અક્ષતથી વધાવ્યા અને એક નાનકડી બાલિકાએ સૂતરનો હાર પહેરાવ્યો અને કૂચ આગળ ચાલી. અસલાલી જતાં રસ્તામાં આવતા નાના નાના બે ત્રણ ગામડાના લોકો આનંદ અને ઉત્સાહથી ઉભરાતા હતા.

અસલાલીમાં ભાષણ કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે “મારો અને સરદારનો એક જ હેતુ આ કૂચ અંગે હતો અને તે એ કે ગામડે ગામડે મીઠાના અન્યાયી કરનો સંદેશો પહોંચાડવો. જેમ ખાદીનો સંદેશ છે તેમ મીઠાનો પણ સંદેશ છે. માણસ દીઠ વર્ષે અડધો મણ અને ઢોર દીઠ એક મણ મીઠું વપરાય છે. ખેડૂતને તો ખાતરમાં પણ મીઠું જોઈએ.

પંજાબમાં ઇજારદારને ૯ પાઈએ મણ અપાય છે. જ્યારે આપણે સવા રૂપિયો આપવો પડે છે. સરદાર જેલમાંથી બહાર આવશે ત્યારે હિસાબ માંગશે. બાપદાદાએ નહીં જોયા હોય તેવા પૂર આવ્યા અને તેમણે હજારોને બચાવ્યા, મરકીમાં પણ મદદ આપી અને બારડોલીમાં પણ વિજય અપાવ્યો, એટલે હિસાબ લેવાનો એમને અધિકાર છે.”

તારીખ ૧૩ માર્ચ, ૧૯૩૦ (ગુરુવાર), વિસામો: બારેજા અને રાત્રિ નિવાસ: નવાગામ (૯ માઈલ):

અસલાલીમાં એક રાત રહી ગાંધીજી અને સૈનિકો બીજે દિવસે બારેજા પહોંચ્યા. એ પછી અમદાવાદ જિલ્લામાંથી તેમનો ખેડા જિલ્લામાં પ્રવેશ થવાનો હતો. સરહદે તેમને વળાવવા અમદાવાદ, અસલાલી અને બીજા ગામોમાંથી ૪-૫ હજાર માણસો આવ્યા હતા. બપોરે બારેજામાં ગાળી સાંજે મહાત્માજી નવાગામને માર્ગે ચાલ્યા. નવાગામ ખેડા જિલ્લાના માતર તાલુકાનું ગામ છે.

નવાગામની સભામાં પ્રવચન આપતા ગાંધીજીએ કહ્યું હતું કે “આ ગામમાં હું આવી ગયો છું અને તેથી ગામને સારી રીતે જાણું છું. અહીંયા પટેલો અને મતાદારોએ રાજીનામાં આપી દીધા છે તે જાણીને મને આનંદ થાય છે, પણ અહી હું એકવાર છેતરાયો છું. આ વખતે તમે એવું કરશો નહીં કે મહાત્મા આવ્યો એટલે રાજીનામાં આપવા પડ્યા અને હવે પાછા ખેંચી લઈએ છીએ. દબાણને વશ થઈ આપ્યા હોય તો તે હજીપણ પાછા ખેંચી લેજો.”

કૂચમા લોખંડી શિસ્ત રાખી હતી. જે ગામે કૂચ જવાની હોય ત્યાં સ્વયંસેવકોની ટુકડી આગળથી પહોંચે અને મુકામ તથા સભાસ્થાન વગેરેની ગામલોકોને મળીને ગોઠવણ કરે.

તારીખ ૧૪ માર્ચ ૧૯૩૦ (શુક્રવાર), વિસામો: વાસણા (બપોરે) અને રાત્રિ નિવાસ: માતર (૧૦ માઈલ):

તારીખ ૧૪ મી માર્ચના રોજ કૂચ ૮.૩૦ વાગે વાસણા પહોંચી હતી. ગામને પાદરે રમણીય આમ્રકુંજમાં ગાંધીજીનો મુકામ રખાયો હતો અને ત્યાં એક સુંદર ઘાસની ઝૂંપડી બાંધવામાં આવી હતી. અહી ભાષણ કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે મારી “નવજીવન” માની દરેક માંગણી પ્રમાણે જ તમે મને સત્કારો છો તેથી મને અત્યંત આનંદ થયો છે.

મારી સાથે એક અત્યંજ કુટુંબ છે. તેને દૂર રાખવા જ મને ગામ બહાર મુકામ આપવામાં આવ્યો હોય તો હું ઈચ્છું કે મને ગામની શાળામાં જ ઉતારો આપવો જોઈતો હતો. અહીંયા મુખીએ રાજીનામું આપી દીધું . મુખીને સત્તા શાની છે? પ્રજાને રંજાડવાની – એ જુલમનું કામ છે. મુખીપણાનો ત્યાગ એટલે ઘરમાંથી બલા કાઢવી.

તારીખ ૧૫ માર્ચ ૧૯૩૦ (શનિવાર), વિસામો: ડભાણ અને રાત્રિ નિવાસ: નડિયાદ (૧૫ માઈલ):

માતર ડભાણ જવા કૂચ ૬.૩૦ વાગે સવારે ઉપડી હતી. રસ્તામાં ગામે ગામ લોકના ટોળાં ઊભરતા હતા અને બે યુરોપિયન કુટુંબો પણ દર્શને આવ્યા હતા. ડભાણના લોકોએ ભારે ઉમળકાથી સ્વાગત કર્યું હતું. અહિયાં મહાત્માજીને મળવા મુંબઈથી શ્રી નરીમાન અને શ્રી મહેરઅલી આવ્યા હતા.

સભામાં ભાષણ કરતાં કરતાં સરભરા માટે લોકોને ધન્યવાદ આપ્યા અને કહ્યું “ખેડાની સરભરાનો મે અગાઉ સ્વાદ ચાખ્યો છે. આ થેલી તમે મને આપી તે માટે હું તમારો આભાર માનું છું. અહી સાંભળેલી હકીકત ઉપરથી લાગે છે કે આપણે ગૌરક્ષાને બદલે ભેંસરક્ષા કરીએ છે.

કોઈ માંદું હોય તો ગાયનું ઘી કે દૂધ જોઈએ અને તે પણ ગામમાં ન મળે, એ કેટલું શરમાવનારું? જો ગાયનો બચાવ કરવો હોય તો ગાયો વસાવી અને તેની રક્ષા કરો.”

ડભાણથી મળસ્કે ૪.૩૦ વાગે કૂચ શરૂ થઈ અને તેનો નડિયાદમાં પ્રવેશ થયો. તેમણે અહિયાં કર્યું કે મે ઘણી સભાઓમા ભાષણો આપ્યા છે પણ કોઈ વખતે આવડી મોટી મેદની થઈ નથી. અત્યારે આખું હિન્દ શું જોવા માંગે છે? આપણને પૂર્ણસ્વરાજ જોઈએ છે. તમે બધા આટલા દૂરથી આવ્યા છો અને મને માન આપવા આવ્યા છો તેમ માનું એવો હું મૂર્ખ નથી.

તમે પૂર્ણસ્વરાજને ખાતે આવ્યા છો. અમે અહી સુધી આવ્યા ત્યાં સુધી આશીર્વાદના પૂર આવ્યા કર્યા છે. પણ તમારી એ આશિષ સુકાઈ ન જવી જોઈએ. સરદાર વલ્લભભાઈએ ખેડા જિલ્લામાં ઘણું કામ કર્યું છે અને તેથી આ યુદ્ધમાં મદદ કરવાની તમારી તો ત્રણઘણી ફરજ છે.

મને પૈસાની મદદ જોઈતી નથી,મને તો માણસો જોઈએ છે. ખેડા જિલ્લામાં સરદાર વલ્લભભાઈને કેદ એટલે ખેડાને કેદ. મે કઈ કામ કર્યું છે એટલે તમારા ઉપર મારો અધિકાર છે.

તારીખ ૧૬ માર્ચ ૧૯૩૦ (રવિવાર), વિસામો: બોરીઆવી અને રાત્રિ નિવાસ: આણંદ (૧૧ માઈલ) (કૂચનો ૮.૩૫ કલાકે બોરીઆવીમાં પ્રવેશ થયો.)

ભાષણ કરતાં ગાંધીજી કહ્યું ઢસાના દરબાર રાજ્ય તજીને બેસી ગયા છે, એટલે શું એમણે સદાને માટે ત્યજયું? ના ના એ તો વાજતે ગાજતે આપણા યુગમાં પાછું મેળવીશું. અહી સુણાવની રાષ્ટ્રીય શાળાના શિક્ષકોને વિધાર્થીઓ તથા સોનગઢ ગુરુકુળના મુખ્ય અધિષ્ઠતા ચતુરભાઈ આવ્યા હતા અને તેમણે ખડી ફોજ ઊભી કરવા આશીર્વાદ લીધા.

તારીખ ૧૭ માર્ચ ૧૯૩૦ (સોમવાર), વિસામો: સવાર (મૌનવાર) અને રાત્રિ નિવાસ: આણંદ.

આણંદને પાદરે ૭.૩૦ વાગ્યે કૂચ પહોંચી. ગાંધીજીએ કહ્યું આણંદે અમારું સ્વાગત કર્યું તે માટે હાર્દિક ધન્યવાદ. તમે હમણાં જ ભજનમાં સાંભળ્યું કે “પ્રેમપંથ પાવકની જ્વાળા” સત્યગ્રહનો પંથ પ્રેમ-પંથ છે, એ વેર ભાવનો પંથ નથી. વેરભાવ બીજાને બાળે છે, પ્રેમ પોતાને બાળે છે ને બીજાને શુદ્ધ કરે છે.

મરતી વખતે મનની અંદર પણ ક્રોધ નહીં થાય, અને મનમાં એવી ભાવના થાય, “હે ભગવાન ! આ મારનારનું તું ભલું કરજે,” એવા મરણની ભેટ જ્યારે થાય ત્યારે એને સત્યાગ્રહી મરણ કહું

Mahatma Gandhi, Mithuben Petit, and Sarojini Naidu during the March.
Mahatma Gandhi, Mithuben Petit, and Sarojini Naidu during the March. (en.wikipedia.org/wiki/Salt_March)

તારીખ ૧૮ માર્ચ ૧૯૩૦, (મંગળવાર), વિસામો:નાપા અને રાત્રિ નિવાસ: બોરસદ (૧૧ માઈલ).

બોરસદમાં તો જાણે ઉત્સાહની હેલી ચઢી હતી. ૭.૩૦ વાગે કૂચ ત્યાં પહોંચી ત્યારે દોઢ માઈલ લાંબુ સ્વાગત સરઘસ યોજાયું હતું. ગાંધીજીએ કહ્યું કે આ તો અંતિમ યુદ્ધ છે. તે વખતે ભણવું એ દેશદ્રોહ છે. હું આ રાજ્યનો અંત છે. સ્વતંત્રતાની ઉષાદેવી સામે ઊભી છે અને આપણને વરમાળ પહેરાવવા તત્પર થઈ રહી છે. તમે બધા સરદાર વલ્લભભાઈ પટેલ અને દરબાર સાહેબની સેવાની કદર કરીને યુદ્ધમાં જોડાજો.

તારીખ ૧૯ માર્ચ ૧૯૩૦, (બુધવાર), વિસામો: રાસ અને રાત્રિ નિવાસ: કંકાપુરા (૧૨ માઈલ).

કૂચ ૮.૩૦ વાગે રાસ ગામે પહોંચી. રાસ એટલે તો રણશૂરાઓનું ગામ. ગાંધીજીએ કહ્યું “આજે તો રાસ ઉપર જવાબદારી આવી છે. સરદાર વલ્લભભાઈ અમદાવાદથી નીકળ્યા ત્યારે પકડાશે એવો નહોતો ખ્યાલ એમને કે મને, પણ પ્રથમ પકડાવવાનું માન એમને રાસમાં મળ્યું. એટલે રાસનો ધર્મ વિશેષ થયો.

તમારો પ્રેમ તમને અહી ઘસડી લાવ્યો. રાસથી ઉપડેલો કાફલો રાત્રે ૮.૦૦ વાગે કંકાપુરા ગામે પહોંચ્યો. ૨૦ હજારની જંગી સભાને ગાંધીજીએ સંબોધી. ગાંધીજીએ અહી બોલતા કહ્યું “તમે બહાદુરી માટે પંકાયેલા છો, પણ દોષો છે તેને લઈને તમારી ચઢતી થતી નથી. તમે કેટલાક સુધારા કર્યા છે તે માટે ધન્યવાદ.

પણ હજી ઘણું કરવાનું બાકી છે. તે કરો તો તો આખા હિન્દુસ્તાનમાં તમારું નામ પંકાય. આ મે ધર્મયુદ્ધ આરંભ્યું છે અને પગપાળા મુસાફરી કરી રહ્યો છું, તેનું કારણ ઊંડું છે. આ તો ધર્મયાત્રા છે.

તારીખ ૨૦ માર્ચ ૧૯૩૦, (ગુરુવાર), વિસામો: મહીસાગરને સામે કાંઠે ઝૂંપડીમા, રાત્રિ નિવાસ: કારેલી (૧૧ માઈલ).

અત્યારસુધીની કૂચ સીધી સડક ઉપર ચાલતી હતી. હવે મહીસાગર પાર કરવાનો પ્રસંગ આવ્યો. અહી મહીનો પટ ખરેખર સાગર જેવો વિશાળ હતો. મહી ઉતરીને ૨-૩ માઈલ કપરામાં કપરો રસ્તો હતો. કાદવ અને કાંપ ખૂંદીને જવાનું હતું એટલે બાપુને ઊંચકી લેવાની માંગણી થઈ, પણ તેમણે જવાબ્ આપ્યો કે મારી તો ધર્મ યાત્રા છે અને યાત્રા તો પગે ચાલી ને જ કરાય.

કારેલીમાં ટૂંકું મુદ્દાસર ભાષણ કરતાં ગાંધીજીએ કહ્યું: આપણાં ને ભરૂચના સદભાગ્યે જવાહરલાલ પહેલા જ અહી આવ્યા ને તે સાથે આખી રાતનો ઉજાગરો વેઠ્યો. ઈશ્વર અનુકૂળ હશે તો એમને અને મહાસમિતિના આગેવાનોને પરમદિવસે જંબુસરમાં મળશુ.

અહી જવાહરલાલ સાથેની ગાંધીજીની ચર્ચા વિચારણા ભવિષ્યમાં શું કરવું તે વિશેની હતી. મીઠા ઉપરાંત બીજા કરવેરાનો ભંગ કરવાની અને કરવો તો કયા વેરાનો કરવો તે અંગે તેમણે ગાંધીજીની સલાહ પૂછી હતી.

ગાંધીજીએ હમણાં તો આ મીઠાના કાયદા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવુ ઠીક છે એવો અભિપ્રાય આપેલો.

તારીખ ૨૧ માર્ચ ૧૯૩૦, (શુક્રવાર), વિસામો: ગજેરા અને રાત્રિ નિવાસ: અણખી (માઈલ ૧૧).

એ જ રાત્રે સંઘ ગજેરાથી અણખી તરફ ચાલ્યો. અહી ગામ લોકોએ ઠરાવ કર્યો કે કોઈપણ સરકારી નોકરને કોઈપણ પ્રકારની મદદ કરવી નહીં. મીઠાનો કાયદો તોડવા ૩૫ સૈનિકો પણ નોંધાયા.

અહી બોલતા એમણે કહ્યું કે “જ્યારે પ્રજા વફાદાર મટી જાય ત્યારે અમલદારોની સ્થિતિ દુખદાયક થાય. એમને લોકો કઈ જ ન આપે. મે સાંભળ્યું છે કે લોકો અમલદારને પાણી, અનાજ, દિવાસળી વગેરે કાઇ આપતા જ નથી. એમ કરવાનો લોકોને હક છે. ધર્મ છે પણ એમને ભૂખે મારવાનો આપણને ધર્મ નથી.

તારીખ ૨૨ માર્ચ ૧૯૩૦, (શનિવાર), વિસામો: જંબુસર અને રાત્રિ નિવાસ: આમોદ (માઈલ ૧૨).

સવારના પહોરની ખુશનુમા હવા અને અરણીના ફૂલોની સુવાસ લેતો સંઘ જંબુસરનો પંથ કાપી રહ્યો હતો. અહિયાં ગાંધીજીએ કહ્યું કે “હમેશા હોય તે કરતાં પણ આજે મારી પાસે વધારે કામ આવી પડ્યું છે.

મહાસભાના ઘણાખરા સભ્યો અહી હાજર છે. પણ તેમના ભાષણો તમે નહીં સાંભળી શકો તે માટે લાચાર. વળી અમારે વખતસર અહીથી જવું જોઈએ એટલે મોંટા ભાષણોનો વખત નથી. સ્વાગત માટે ધન્યવાદ આપું છું અને મુખીઓએ રાજીનામાં આપ્યા તે માટે મુબારકબાદી આપું છું.”

આમોદમાં ગાંધીજીએ કહ્યું “આ આખરી લડતમાં હિન્દુ-મુસ્લિમ બંને જોડાઈ જજો. હવે તો લડતનું એવું સ્વરૂપ છે કે ગરીબ, તવંગર, વૃદ્ધ, બાળક, બધા જ સરખો ભાગ લઈ શકે. મારે તો તમને તોફાન, મારપીટ ન કરતાં એક નન્નો ભણાવવાનું શીખવવાનું છે.

એક નન્નો સો દુખને હણે એ સાચું છે. બધા જ સરકારી નોકરો એ ભણો અને હું દાંડી જઈને કહું હવે મીઠા માટે તમે બધા નીકળી પડો તો બીજે દિવસે સ્વરાજ મળે.”

તારીખ ૨૩ માર્ચ ૧૯૩૦, (રવિવાર), વિસામો: બુવા અને રાત્રિ નિવાસ: સમની (૧૨ માઈલ).

બુવામાં રાજાજી, મહાદેવભાઇ અને દેશપાંડેજી મળવા આવ્યા હતા. એક સુંદર વિશાળ વૃક્ષની નીચે બપોરે ૩.૩૦ વાગે સભા થઈ. બુવાની સભા પૂરી કર્યા પછી ગાંધીજી ત્યાં બે કલાક વધુ રોકાયા. સમનીમા સોમવારનો મૌનવાર ગાળવાનું ઠર્યું હતું. રાત્રે મેદાનમાં પ્રચંડ સભા મળી તેમાં મીઠાના કાયદા ભંગ ઉપર અને ખાદી પહેરવા તથા ઉત્પન્ન કરવા ઉપર ગાંધીજીએ ભાર મૂક્યો હતો.

તારીખ ૨૪ માર્ચ ૧૯૩૦, (સોમવાર), વિસામો: સમનીમા મૌનવાર તરીકે ગાળ્યો અને રાત્રિ નિવાસ: સમની.

ત્રાલસા જતાં એક ખાડી ઓળંગવી પડી. ગાંધીજી અને તેમના સાથીઓએ ઢીંચણ સુધીના પાણી અને કાદવમાં ચાલી સામે પાર પહોંચ્યા. કસ્તુરબા અને કાકાસાહેબ કાલેલકર અહિયાં ગાંધીજીને મળવા આવ્યા હતા.

તારીખ ૨૫ માર્ચ ૧૯૩૦, (મંગળવાર), વિસામો: ત્રાલસા અને રાત્રિ નિવાસ: ડેરોલ (૧૦ માઈલ).

સભામાં ભાષણ કરતાં ગાંધીજીએ કહ્યું કે ભરૂચ જિલ્લાની કૂચ પૂરી થવા આવી છે અને હવે મારે નવું કહેવાપણું કઈ જ રહેતું નથી. આ ધર્મયુદ્ધમાં દરેક પોતાનો કઈંક ને કઈંક હિસ્સો આપશે એવી આશા રાખું છું.

તારીખ ૨૬ માર્ચ ૧૯૩૦, (બુધવાર), વિસામો: ભરૂચ અને રાત્રિ નિવાસ: અંકલેશ્વર (૧૩ માઈલ).

ભરૂચની સભામાં ગાંધીજીએ કહ્યું કે સત્યાગ્રહી ઈશ્વરનો નાદ સાંભળીને લડે છે. ઘણી વખત એવું બને છે કે સત્યાગ્રહી ઉપર આખું જગત થૂંકતું હોય તે વખતે પણ તે ઈશ્વરનો નાદ સાંભળી શકે છે.

હું જે કરી રહ્યો છું તે માટે તો આખું હિન્દ ૧૦ વર્ષ થયાં એક પગે હતું. ૧૯૨૧ થી હું બે શબ્દો કહેતો આવ્યો છું. પાકીઝગી અને કુરબાની: એટલે કે આત્મશુદ્ધ અને બલિદાન. આ વગર સત્યાગ્રહનો જય નહીં થાય, કેમ કે તેના વિના ઈશ્વર સાથે હોય જ નહીં. જગર કુરબાની ઉપર ઝૂકી જાય છે. આ લડતમાં મને બધાની જ મદદની જરૂર છે.

અંક્લેશ્વરના મુકામ દરમિયાન ત્રણ નોંધનીય પ્રસંગો બન્યા. સૈનિકો પૈકીના એક ભાઈએ ભરૂચમાં આઈસક્રીમ ખાધો હતો. સત્યાગ્રહી સૈનિકોની શિસ્ત વિરુદ્ધનું એ કામ હતું, તેથી ગાંધીજીને ઘણું દુખ થયું હતું, બીજો મહત્વનો બનાવ એ બન્યો હતો કે ગાંધીજી તારીખ ૬ એપ્રિલે દાંડીમાં નમકનો કાયદો તોડે, તે પછી આખા દેશમાં અનેક માણસો લડતમાં ઝંપલાવવા તૈયારી કરી રહ્યા હતા.

તેઓ જવાબદારી સમજીને લડતમાં જોડાય તે માટે કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુએ સત્યાગ્રહીઓ માટે એક ટૂંકું અને સાદું પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરીને ગાંધીજીને મોકલ્યું હતું. તે તેમણે “નવજીવન” અને “યંગઈન્ડિયા” માં પોતાની નોંધ સાથે પ્રગટ કરવા અહીથી મોકલી આપ્યું હતું.

ત્રીજો પ્રસંગ ટુકડીના કેટલાક સૈનિકો મુકરર ક્રમ છોડીને આગળ આવી વચમાં ઘૂસી જતાં હતા. એટલે બાપુએ આજથી પહેલી ટુકડી છેલ્લી રહે અને છેલ્લી ટુકડીથી હારની શરૂઆત થાય એવો નિર્ણય આપ્યો.

તારીખ ૨૭ માર્ચ ૧૯૩૦, (ગુરુવાર), વિસામો: સજોદ અને રાત્રિ નિવાસ: માંગરોળ (૧૨ માઈલ).

માંગરોળનું ભાષણ: આપણે આપણી નબળાઈનો સ્વીકાર કરીએ પણ આપણી ટેક રાખનાર ઈશ્વર છે. જ્યાં સુધી આપણું યુદ્ધ સાચેસાચું છે, ત્યાં સુધી ઈશ્વરનો હાથ જ છે. ત્યાં સુધી આપણે કેમ ન લડીએ? મીઠાવેરો તો ગયો જ સમજો. રહેશે તો કદાચ એક બે મહિના. અત્યારસુધી કરવેરા હોવા છતાં આપણે નિમકહલાલ રહ્યા પણ હવે તો નિમકહરામ થવાના છીએ.

તારીખ ૨૮ માર્ચ ૧૯૩૦, (શુક્રવાર), વિસામો: રાયમાં અને રાત્રિ નિવાસ: ઉમરાછી-સુરત (૧૦ માઈલ).,

રાયમાંનું ભાષણ: આપણને પ્રિય હોય તે હંમેશા આપણે કરી નથી શકતા. શ્રેયકર હોય તે કરીએ છીએ, એટલે દાંડી પહોંચવું જ જોઈએ. એથી આજે વસમું લાગે છે છતાં તમારી પાસે વિદાય લેવી પડે છે.

ઉમરાછીનું ભાષણ : સ્વરાજ એક બે મહિનામાંયે મળે અને જન્મારોય જાય. સરદારના ને મારા હાડકાં રાખમાં મળે ને સ્વરાજ ન યે મળે. પણ હવે તો બહારવટે નીકળ્યા છીએ. સરકારી સત્તા અસત્યનો પૂંજ છે. એ ગમે એવો મોટો પુંજ કેમ ન હોય? સત્યની ફૂંકથી તે ઢળી જશે; પણ એવું સત્ય આપણામાં પ્રગટ થાય ત્યારે ને?

તારીખ ૨૯ માર્ચ ૧૯૩૦, (શનિવાર), વિસામો: એરથાણ અને રાત્રિ નિવાસ: ભટગામ (૧૦ માઈલ).

સવારની પ્રાર્થનામાં ગાંધીજીએ કહ્યું “આપણી યાત્રાનો આ છેલ્લો તબક્કો છે. એના આરંભે જ આપણે બધા મેલ ધોઈ નાંખીએ – દાંડીને આપણે હરદ્વાર માન્યું છે, તો હરદ્વાર જેવા પવિત્ર ધામ માટેની લાયકાત આપણે મેળવવી જોઈએ.

તારીખ ૩૦ માર્ચ ૧૯૩૦, (રવિવાર), વિસામો: સાંધીએર અને રાત્રિ નિવાસ: દેલાડ (૧૦ માઈલ).

સાંધીએરનું ભાષણ “જે તલાટી ભાઈએ રાજીનામું આપ્યું તેમને ધન્યવાદ આપું છું. પટેલોના રાજીનામાં ઠીક સંખ્યામાં આવ્યા છે. તલાટીનું આ બીજું રાજીનામું છે. જેમ જેમ આ લડતનું રહસ્ય આપણે સમજતા જઈશું, અને જેમ જેમ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખતા જઈશું તેમ તેમ આવા રાજીનામાં વધારે ને વધારે મળતા જશે.”

દેલાડનું ભાષણ: “ગીતમાં કહ્યું છે તેમ જે વસ્તુ આરંભમાં કડવી લાગે છે, પરિણામે મીઠી હોય તે સાત્વિક છે. જે પ્રેમના અંગારા મે મિત્રો, સાથીઓ અને સભા પાસે ભટગામમાં કાઢ્યા હતા, તે અંગારા તેમણે અંગારા તરીકે માન્યા નથી.

તારીખ ૩૧ માર્ચ ૧૯૩૦, (સોમવાર), વિસામો: દેલાડમાં મૌનવાર તરીકે ગાળ્યો અને રાત્રિ નિવાસ: દેલાડ.

દેલાડમાં શાંતિપૂર્વક મૌનવાર ગાળી ગાંધીજીએ હાર્દિક વિદાય લીધી.

તારીખ ૧ એપ્રિલ ૧૯૩૦, (મંગળવાર), વિસામો: છાપરાભાઠા અને રાત્રિ નિવાસ: સુરત (૧૧ માઈલ).

છાપરાભાઠાનું ભાષણ: સ્વરાજના ઘણા અંગ છે. આપણે ગાઈએ છીએ કે “સૂતરને તાંતણે સ્વરાજ”, પણ એમ ગાવાથી સ્વરાજ થોડું મળવાનું હતું? એ તો તાંતણા કાઢીએ ત્યારે મેળ. આ રેંટિયાનું તો મે ઉદાહરણ આપ્યું હતું પણ એવું દારૂનું કામ પડેલું જ છે.

ત્રીજી વાત અમદાવાદની બહેનોએ કચરો કાઢી ગામડા સાફ કરવાની શીખવી તે છે. આપણામાં કચરો ખૂબ ભરાયો છે, તેથી આપણે સ્વરાજનો મંત્ર ભૂલી ગયા છીએ. એ કાઢતા આપણે સમાજના અને હ્રદયના મેલ કાઢીશું.

સુરતનું ભાષણ: આપણે દુખ, કષ્ટ બરદાસ્ત કર્યે જ છૂટકો છે અને તેટલા સારું આ મીઠાનો કર આપણને ઈશ્વરે સુઝાડયો છે. સરકાર દાવો કરે છે કે રાજ્ય ચલાવનારાઓએ પ્રજાના બધા માણસો પાસે કર લઈ શકાય એવી યુક્તિ શોધવી જોઈએ.

મે ઈસ્લામ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને જરથોસ્તના ધર્મગ્રંથો ઉથલાવ્યા છે. એ બધામાં બતાવ્યું છે કે ઔરતો અને મિસ્કીનો -ગરીબો ને સ્ત્રીઓ ઉપર કોઈ દિવસ કર હોય નહીં.

રાજકર્તાઓ ઈચ્છે તો મને પકડે, પણ તેમ કરતાં એને શરમ આવે છે, તે માટે હું તેને ધન્યવાદ આપું છું. પણ એક દિવસ મને પકડે જ છૂટકો છે અને ન પકડે તો સારું હિન્દ ધગી ઊઠવાનું છે.

સરકારની તો સાપે છછુંદર ગળ્યાં જેવી સ્થિતિ થઈ ગઈ છે. હવે પછી કાયદા તડાતડ તૂટતાં જશે ને કાયદાનો નાશ થયો ત્યાં સલ્તનત કયા રહી? એના બધા અંગ ઢીલા થઈ જવાના. આમ વગર મહેનતે એક પણ માણસને જેલમાં મોકલ્યા વિના રાજ્ય લેવાની વાતો મારા ખિસ્સામાં પડેલી છે.

તારીખ ૨ એપ્રિલ ૧૯૩૦, (બુધવાર), વિસામો: ડીંડોલી અને રાત્રિ નિવાસ: વાંઝ (૧૩ માઈલ).

સભામાં ભાષણ કરતાં કહ્યું કે “હું જ્યારથી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો ત્યારથો મળેલા સાથીઓ આ ગામમાં રહે છે તેથી મને હર્ષ થાય છે. આવા ગામ પાસેથી હું અનેક પ્રકારની આશા રાખું અને આશા સફળ ન થાય તો દુખ થાય પણ.”

તારીખ ૩ એપ્રિલ ૧૯૩૦, (ગુરુવાર), વિસામો: ધામણ અને રાત્રિ નિવાસ: નવસારી (૧૩ માઈલ).

ધામણનું ભાષણ: “આ ધામણની આસપાસ એવા કસબાઓ છે, કે જેમાં મારા પુરાણા અસીલો અને સાથીઓ વસે છે. દક્ષિણ આફ્રિકાની લડતમાં મુસલમાન ભાઈઓએ મોટો ફાળો આપેલો અને ત્યાંની લડતના આગેવાન પણ મુસલમાન ભાઈ હતા.

નવસારીનું ભાષણ: નવસારી તો પારસી ભાઈઓનું મથક. પારસી કોમ એક લાખની અંદર છે. હું તમને ઓળખ્યા વિના નથી રહ્યો અને એ મને ઓળખ્યા વિના નથી રહેતા.

દાદાભાઈની પૌત્રીઓ તો લડત માટે જાણે ગાંડી અને અધીરી થઈ રહી છે અને મીઠુબહેને તો દારૂ પીનારાઓને એ વ્યસનમાંથી છોડાવવા માતા છોડી, ઘરબાર છોડયા. અહી ઘણી બહેનો છે, તેમને વિનવું છું કે તમે આ કામ ઉપાડી લો. મુક્તિ ફોજની બહેનોને આવું પુણ્ય કાર્ય કરતાં નજરે જોઈ છે. તેથી મીઠુબહેન જે ક્ષેત્ર તૈયાર કરીને બેસી ગઈ છે તે ક્ષેત્રમાં બધી બહેનો ઝંપલાવે.

તારીખ ૪ એપ્રિલ ૧૯૩૦, (શુક્રવાર), વિસામો: વિજલપોર અને રાત્રિ નિવાસ: કરાડી (૯ માઈલ).

વિજલપોરનું ભાષણ: “દાંડી તો મારુ હરદ્વાર છે. તમે ત્યાં કોઈ નકામા ન આવશો. એમ છતાં જે આવે તે ખોરાક પાણીનો બંદોબસ્ત કરીને આવે અને દેશ સેવા માટે ઝંપલાવવાની ઈચ્છા હોય તે જ આવે.

આ તો ધર્મયાત્રા છે, ધર્મયુદ્ધ છે. એમાં ઉજાણી માટે કોઈ નહીં આવે. બીજી શરત એ કે ત્યાં વિદેશી વસ્ત્રો પહેરીને કોઈ નહીં આવે. દાંડીને યાત્રાનું ધામ-પૂર્ણ સ્વરાજનો કિલ્લો બનાવવો હોય તો એમ જ થાય.”

તારીખ ૫ એપ્રિલ ૧૯૩૦, (શનિવાર), વિસામો: દાંડી અને રાત્રિ નિવાસ: દાંડી (૪ માઈલ) (કુલ માઈલ ૨૪૧).

દાંડીનું ભાષણ: “અહી આવવા હું સાબરમતીથી નીકળ્યો, ત્યારે અહી પહોંચી શકીશું એવી મારા મનમાં ખાતરી ન હતી. અહિયાં હું પહોંચ્યો છું, તેમાં શાંતિનો અને અહિંસાનો પ્રભાવ ઓછો નથી. આ લડતનું રહસ્ય સત્યાગ્રહ સર્વવ્યાપક બને તે છે. અત્યાર સુધીમાં લાખો માણસોએ મીઠાના કરનો સંદેશો સાંભળ્યો છે.

આપણે તો હવે સરકાર થાકે ત્યાં સુધી આપણાં પૂર્વજો જે રીતે મીઠું બનાવતા હતા તે પ્રમાણે ઠેર ઠેર બનાવીને ઘેર ઘેર વેચવાનું છે. આપણી યાત્રાનું ધામ હાલ તો દાંડી છે, પણ ખરું ધામ તો સ્વતંત્રતા દેવી છે. તેના જ્યાં સુધી દર્શન થયાં નથી ત્યાં સુધી આપણને શાંતિ થવાની નથી અને સરકારને પણ શાંત રહેવા દેવાના નથી.

આ દાંડીની પસંદગી મનુષ્યની નથી પણ ઈશ્વરની જ છે. આવતીકાલથી શરૂ થતું અઠવાડિયુ આત્મશુદ્ધિનું છે. છેવટે હું પ્રાર્થના કરું છું કે જે વસ્તુ લેવા માટે બહાર પડયા છીએ તે ધ્યેય ખૂબ જલ્દી પ્રાપ્ત થાઓ. જે સરકારથી બીતા હોય તે ચાલી જાય, જેલથી માંડીને ગોળી ખાવા તૈયાર હોય તે જ કાલે સવારે મારી સાથે આવે. ઈશ્વર આપણી પાસે રહો, સત્યનો જય થાઓ.

નમક કા કાયદા તોડ દિયા.

જે દિવસની વાટ ગુજરાત-ભારતવર્ષ અને આખું જગત જોઈ રહ્યું હતું તે તારીખ ૬ એપ્રિલ ૧૯૩૦ ના દિવસે બ્રામ્હમુહૂર્તમાં ૩.૩૦ વાગે ગાંધીજી અને તેમના સૈનિકો અને હજારો લોકો જાગૃત થઈ ગયા.

બરાબર સવારે ૬ વાગ્યે ગાંધીજી અને સૈનિકો અને હજારો યાત્રીઓ સમુદ્રસ્નાન માટે કિનારે પહોંચી ગયા. કોઈએ પૂછ્યું “બાપુજી તમે પણ સમુદ્ર સ્નાન કરશો કે?” તરત જવાબ્ મળ્યો, “જરૂર, જે ધર્મયુદ્ધનો આરંભ કરવો છે તે કાર્ય તો સ્નાન કરીને પવિત્ર બન્યા પછી જ કરાય.” એમ કહીને તેમણે કોઈ અવધૂતની પેઠે લંગોટીભેર સમુદ્રમાં દોટ મૂકી. સ્નાન કરીને ગાંધીજી બહાર નીકળ્યા ત્યારે આપ્તજનો સાથે થોડો વાર્તાવિનોદ પણ કર્યો.

સમુદ્ર સ્નાનથી પરવારીને ગાંધીજી લોકસમુદાય સાથે એક માઈલ, ખાંજણમા અને ખાડાઓમાં દરિયાનું પાણી ભરાઈને સુકાઈ જવાથી તૈયાર થયેલુ મીઠું શોધવા નીકળ્યા. સરકારી માણસોની ટુકડીએ કુદરતી મીઠાની બક્ષિસને પાવડીથી રગદોળી માટીમાં ભેળવી દેવાના સતત પ્રયત્ન કરવામાં કશી કચાશ રાખી નહોતી.

તે છતાં રત્નાકરે એ ગાંધીજી જ્યાં ઊભા હતા ત્યાં એમના ચરણ આગળ જ ચકચકતા મીઠાની અંજલિ ધરી દીધી. જેમ યજ્ઞમાંથી પ્રસાદનો કળશ પ્રકટે તેમ એ યજ્ઞપ્રસાદની ગાંધીજીએ બરાબર ૬.૩૦ કલાકે ચપટી ભરી અને હજારો લોકોના ગગનભેદી નાદ ગાજી ઉઠયો, “નમક કા કાયદા તોડ દિયા.” એ ચપટી ભરતા ગાંધીજીએ વાણી ઉચ્ચારી કે “બ્રિટિશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું.”

આમ તારીખ ૬ એપ્રિલના રોજ ગાંધીજીએ ભારતની આઝાદીની ઐતિહાસિક લડત એવી દાંડિયાત્રાનો અંત આણ્યો હતો અને ગાંધીજી અને તેમના સૈનિકો અને હજારો લોકોએ સાથે મળીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

Original footage of Gandhi and his followers marching to Dandi in the Salt Satyagraha (Source: https://en.wikipedia.org/wiki/Salt_March)

(Source: Gujarat Information – Gujarat Pakshik & https://en.wikipedia.org/wiki/Salt_March)

સમય નિકાળીને આ પણ વાંચો!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *