Current Affairs: કરંટ અફેર્સની તૈયારી કેવી રીતે કરવી?

How To Prepare For Current Affairs In Gujarati
How To Prepare For Current Affairs In Gujarati

જો તમે કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપેલ હશે અથવા તો તે આપવા માટે ફોર્મ ભર્યું હશે તો તેનો સિલેબસ જોશો તો તેમાં તમને વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ (Current Affairs) નો વિષય જોવા મળશે જ. આ વિષયની તૈયારી તમારે કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી અહિયાં આપવામાં આવશે.

GPSC, UPSC, Bank Clerk, GPSSB, GSSSB, PSI, Constable જેવી અન્ય ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સના વિવિધ પ્રશ્નો આવતા હોય છે. ઘણીવાર ઉમેદવારોને આ પ્રશ્નો ખૂબ જ અઘરા લગતા હોય છે. માટે આ પ્રશ્નો માટે તમારે શું શું વાંચવું અને પ્રશ્નો બનાવી કેવી રીતે તૈયાર કરવા તેની વિગતે વાત કરવાના છીએ.

કરંટ અફેર્સ શું છે?

કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો એ વિશ્વમાં અથવા દેશમાં બની રહેલ ઘટનાઓ અથવા તો સમાચાર છે. તેમાં રમતગમત, રાજકારણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અન્ય વિષયોની રોજબરોજની ઘટનાઓને આવરી લેવામાં આવતી હોય છે. વર્તમાન પ્રવાહો એ આપણને સમાજ, દેશ અને વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેના વિશે માહિતગાર કરવામાં મદદરૂપ બને છે. આ ઘટનાઓ સામાન્ય રીતે ટીવી, સમાચારપત્રો અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા આપણને જાણવામાં મળતી હોય છે.

કરંટ અફર્સની (Current Affairs) તૈયારી કેવી રીતે કરવી?

સૌપ્રથમ તો આપણે કઈ પરીક્ષા માટે વર્તમાન પ્રવાહોની તૈયારી કરવાની છે તે ઓળખવું જરૂરી છે. સામાન્ય રીતે કેટલીક પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 3 મહિનાનું કરંટ અફેર્સ પૂછવામાં આવતું હોય છે. GPSC જેવી પરીક્ષાઓમાં 6 મહિના અથવા તેથી વધારે મહિનાનું અને UPSC જેવી પરીક્ષાઓમાં છેલ્લા 1 વર્ષ સુધીનું કરંટ અફેર્સ પૂછવામાં આવતું હોય છે.

આ સિવાય તમે કયા ક્ષેત્રની પરીક્ષામાં બેસવાના છો તે જોઈને પણ તમારે તે મુજબનું કરંટ અફેર્સ તૈયાર કરવાનું રહે છે. જેમ કે બેન્કિંગ ક્ષેત્રની પરીક્ષાઓમાં અર્થવ્યવસ્થા, આરબીઆઈ અને નાણાકીય નીતિઓ, ફુગાવો જેવા વિષયોને ધ્યાનમાં રાખીને તમારે સાંપ્રત પ્રવાહો તૈયાર કરવાના હોય છે.

હવે આપણે કરંટ અફર્સની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.

1) સારામાં સારા સ્ત્રોત

વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ તૈયાર કરવા માટેનો પહેલો અને મુખ્ય સારામાં સારો સ્ત્રોત એટલે સમાચારપત્રો (Newspaper). સમાચાર પત્રોની અંદર આવતી વિવિધ દેશ અને દુનિયાની અગત્યની માહિતી સાંપ્રત પ્રવાહો માટે ઉપયોગી બનતી હોય છે. હવે સમાચાર પત્રોમાં તમારે ધ હિંદુ, ઈન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ધ ઈકોનોમિક્સ ટાઈમ્સ જેવા સમાચાર પત્રો વાંચવા જરૂરી છે. ગુજરાતી સમાચારપત્રોમાં પણ માહિતી આવતી હોય છે પણ વિસ્તૃત માહિતી તમને આ સમાચારપત્રોમાંથી મળી રહેશે.

સમાચારપત્રો સિવાય તમે મેગઝીન અથવા તો ઓનલાઈન પોર્ટલ અથવા તો યુટ્યુબ ચેનલોમાંથી પણ તેની તૈયારી કરી શકો છો. ગુજરાતી મેગઝીન જે અઠવાડિયે પણ આવતા હોય છે અથવા તો દર મહિને આવતા હોય છે તેનો અભ્યાસ કરીને પણ તેની તૈયારી કરી શકો છો પણ રોજે રોજ તમારે સમાચારપત્રોમાંથી પણ તૈયારી કરશો તો જ તેની ચોક્કસ તૈયારી થશે. ઓનલાઈન પોર્ટલ જેવા કે પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો, ઓલ ઈન્ડિયા રેડિયો, ધ વાયર જેવા પોર્ટલનો ઉપયોગ પણ કરી શકો છો.

2) વર્તમાન બાબતોનો નિયમિત અભ્યાસ કરો

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, રાજકારણ, અર્થશાસ્ત્ર, રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણ જેવા વિવિધ મુદ્દાઓ વિશે સમાચારપત્રોમાં અથવા તો ન્યૂઝ ચેનલો ઉપર માહિતી મેળવવાનું રાખો. આવી મહત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી માટે DD News, BBC, NDTV અથવા તો કોઇપણ ગુજરાતી સમાચારની ચેનલ જે વિગતે સમાચાર પ્રસિદ્ધ કરતી હોય તે રોજેરોજ સમય નિકાળીને જોઈ શકો છો. મહત્વના સમાચારના લેખોની વિસ્તૃતમાં માહિતી મેળવવા માટે તમે ઇનશોર્ટ્સ જેવી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો.

3) મુખ્ય વિષયો ઉપર ધ્યાન રાખો

મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જેમાંના અમુક આ પ્રમાણે છે.

રાષ્ટ્રીય બાબતો: કાયદાકીય કાર્યવાહી, સરકારી નીતિઓ, મુખ્ય રાષ્ટ્રીય ઘટનાઓ અને સુધારાઓ.

આંતરરાષ્ટ્રીય બાબતો: રાજદ્વારી સંબંધો, વૈશ્વિક સંગઠનો, આંતરરાષ્ટ્રીય સંધિઓ અને વિશ્વભરમાં મુખ્ય ઘટનાઓ.

અર્થતંત્ર: બજેટ જાહેરાતો, નાણાકીય નીતિઓ, આર્થિક વિકાસ દર, ફુગાવો, GDP આંકડા અને નાણાકીય બજારો.

વિજ્ઞાન અને ટેકનોલોજી: અવકાશ, આરોગ્ય, પર્યાવરણ અને IT ક્ષેત્રોમાં તાજેતરના વિકાસ.

પર્યાવરણ અને ઇકોલોજી: આબોહવા પરિવર્તન, સરકારી પહેલ, પર્યાવરણીય સંરક્ષણ પગલાં.

રમતો: મુખ્ય ટુર્નામેન્ટ, રમતગમતના વ્યક્તિત્વ, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને રાષ્ટ્રીય સિદ્ધિઓ.

પુરસ્કારો અને સન્માન: માન્યતાઓ, રાષ્ટ્રીય પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો.

4) ઓનલાઈન સંસાધનનો ઉપયોગ

ઓનલાઈન સંસાધન એટલે કે કરંટ અફર્સની વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન અથવા તો યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા તમે તૈયારી કરી શકો છો. જેમાં કરંટ અફેર્સની વેબસાઈટ જેવી કે ડેઈલી કરંટ અફેર્સ, GKToday, જાગરણ જોશ જેવી વેબસાઈટ કરંટ અફેર્સ રોજેરોજ પ્રસિદ્ધ કરતી હોય છે.

મોબાઈલ એપ્લિકેશન જેવી કે BYJU’s, Unacademy, Testbook અને GradeUp માં દરરોજ કરંટ અફર્સની માહિતી અને મોક ટેસ્ટની સુવિધા પણ આપવામાં આવતી હોય છે. યુટ્યુબ ચેનલમાં તમે Study IQ, The Hindu, અને Vision IAS જેવી ચેનલના વિડીયો જોઈ શકો છો અથવા કોઈ ગુજરાતી ચેનલ રોજેરોજ વિગતવાર માહિતી આપતી હોય તો તેના વિડીયો પણ જોઈ શકો છો.

5) કરંટ અફર્સની નોટ્સ બનાવો

કરંટ અફેર્સની તૈયારી માટે નોટ્સ બનાવવી એ શ્રેષ્ઠ છે. નોટ્સ બનાવશો અને રોજેરોજ તે લખશો તો તેનાથી તમારી યાદશક્તિ પણ વધશે અને થોડા સમય પછી ફરીથી તેનું રિવિઝન કરવું હશે તો પણ સરળ રહેશે. નોટ્સ બનાવવા માટે તમારે જાતે જ મુખ્ય મુખ્ય સમાચારોમાંથી અગત્યની વિગતો લઈને તેની અલગ અલગ વિષયવાર ભાગ પાડીને નોટ્સ બનાવવાની રહેશે. આમ કરવાથી તમારી તૈયારીમાં ઘણો બધો સુધારો થશે અને તમે જે વાંચ્યું હશે તે સરળતાથી યાદ પણ રહી જશે.

6) સમયાંતરે રિવિઝન

રિવિઝન એ એક એવી વસ્તુ છે જે તમારે દરેક પરીક્ષામાં ખૂબ જ જરૂરી હોય છે. તમે કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અથવા તો કોઇપણ તૈયારી કરતાં હોય કોઇપણ વિષયની તો તેમાં તમારે રિવિઝન કરવું ખૂબ જ અગત્યનું બની જાય છે. રિવિઝન કરવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે અને તમે જે પણ વાંચો છો તો લાંબા સમય સુધી તમારા મગજમાં રહે છે.

કરંટ અફર્સની નોટ્સ બનાવી હોય તેનું તમારે દર 15 દિવસે અથવા તો તમને યોગ્ય લાગે તેટલા દિવસે તેનું રિવિઝન કરવું અને તમારું જે માસિક મેગઝીન હોય તે વાંચતાં હોવ તો તેને પણ તે જ સમયગાળામાં રિવિઝન કરી પૂર્ણ કરવું. આમ કરશો તો તમને સરળતાથી બધુ યાદ રહેવા લાગશે અને ખૂબ જ કામમાં આવશે.

7) શું ના વાંચવું

કરંટ અફર્સની તૈયારી કરતી વખતે તમારે શું વાંચવું તેના કરતાં વધારે ફોકસ શું ના વાંચવું જોઈએ તેના ઉપર રાખવો પડતો હોય છે. કેમ કે તેનાથી ઘણો બધો સમય તમારો બચી જતો હોય છે. અમુક રાજકીય વિધાનો, ગામની ખબરો, ક્રાઇમ સમાચાર, ગુનાઓ, પોલીસ તપાસની વિગતો, અમુક કંપનીઓની જાહેરાતો, બૉલીવુડ ના ન્યૂઝ, સ્થાનિક બનાવો આ પ્રકારના સમાચાર પાછળ તમારો સમય વ્યર્થ કરવો નહીં.

નિષ્કર્ષ

આમ આ રીતે તમે કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહોની તૈયારી વિગતવાર કરી શકો છો. મિત્રો ઉપર આપેલ જાણકારી એ ફક્ત તમને મોટીવેશન મળે તૈયારી કરવા માટે તેના માટે આપવામાં આવી છે. તમે તેમાં તમારી રીતે મુદ્દા ઉમેરી તૈયારી કરી શકો છો. કરંટ અફર્સની ચોક્કસ તૈયારી માટે તમારે ઉપર જણાવેલ સ્ત્રોતોમાંથી તૈયારી કરવી આવશ્યક છે અને સમયાંતરે તેનું રિવિઝન કરવું પણ ખૂબ જ જરૂરી બને છે. તમારી પાસે કોઈ વધુ સારી માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.

સમય નિકાળીને આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ
TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *